Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના સ્પોર્ટસ સંકુલના લિકેજીસની સમસ્યા તાકીદે ઉકેલવામાં આવશે: તંત્ર

જામનગરના સ્પોર્ટસ સંકુલના લિકેજીસની સમસ્યા તાકીદે ઉકેલવામાં આવશે: તંત્ર

‘ખબર ગુજરાત’ દ્વારા ફોન થતાં તંત્રમાં દોડધામ

- Advertisement -

જામનગરના સૌ નગરજનોને ‘ખબર ગુજરાત’દ્વારા કોલ આપવામાં આવ્યો છે કે, તંત્રોને લગતી આપની કોઇપણ ફરિયાદ કે સમસ્યા અંગે અમારો સંપર્ક સાધવામાં આવશે તેવાં કિસ્સાઓમાં અમો દ્વારા આ ફરિયાદનો તાકિદે નિકાલ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને કોઇપણ મામલાને તંત્ર સાથેના સંકલનથી અંત સુધી પહોંચાડવામાં આવશે.

‘ખબર ગુજરાત’ની આ પહેલના અનુસંધાને એક નગરજન દ્વારા આજે સોમવારે સવારે અમોને જાણ કરવામાં આવી હતી કે, જામનગરના મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટસ સંકુલના બેડમિન્ટન કોર્ટ વિભાગમાં લાખો રૂપિયાના ખર્ચથી રિનોવેશન થયું હોવા છતાં માત્ર બે છાંટા વરસાદથી આ બેડમિન્ટન કોર્ટમાં પાણીનો ચુવાક (લિકેજીસ) થાય છે. જેને પરિણામે ખેલાડીઓ રમી શકતાં નથી અને રિનોવેશન પાછળ ખર્ચ કરવામાં આવેલાં લાખો રૂપિયાનો કોઇ અર્થ રહ્યો નથી. આ ઉપરાંત ‘ખબર ગુજરાત’ સમક્ષ એવી પણ રજૂઆત થઇ હતી કે, બેડમિન્ટનની એક કોર્ટ સાહેબો માટે અનામત રાખવામાં આવે છે. ખરેખર તો સ્પોર્ટસ સંકુલ સમગ્ર જામનગરના નગરજનો માટે છે. સ્પોર્ટ સંકુલના ઉપયોગમાં કોઇનો વિશેષાધિકાર શા માટે?

‘ખબર ગુજરાત’ સમક્ષની આ રજૂઆત બાદ સ્પોર્ટસ સંકુલના મેનેજર કે.સી.મહેતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, આ લિકેજીસનો પ્રશ્ર્ન મારા કાર્યક્ષેત્રમાં આવતો ન હોવાં છતાં મારા દ્વારા મહાનગરપાલિકાના પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ વિભાગને આ અંગે વ્યવસ્થિત જાણકારી આપી આ સમસ્યા નિવારવા અંગે સંકલન કરવામાં આવ્યું છે.

કે.સી.મહેતા સાથેની આ વાતચિતના અનુસંધાને ‘ખબર ગુજરાત’ દ્વારા પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ વિભાગના મુખ્ય અધિકારી ભાવેશ જાનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓએ આ લિકેજીસ અંગે જણાવ્યું છે કે, હાઇટ ઉપરના પતરાઓમાં માત્ર બે સ્થળે નટબોલ્ટ યોગ્ય રીતે ફીટ ન થવાની નાની ટેકનીકલ ક્ષતિના કારણે આ સમસ્યા ઉભી થઇ છે. આ અંગે સંબંધિત ઇજનેર તથા ટેકનીકલ સ્ટાફને જરૂરી સુચના આપી દેવામાં આવી છે અને હાલની વરસાદની સ્થિતિમાં ઉઘાડના સમયમાં તાકિદે આ કામગીરી સંપન્ન કરી જામગરના નગરજનો માટે સ્પોર્ટસ સંકુલની આ તમામ કોર્ટ ઉપયોગી પૂરવાર થાય તે માટેના પ્રયત્નો કરી લેવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે સ્પોર્ટસ સંકુલ દ્વારા ‘ખબર ગુજરાત’ને એમ પણ જણાવવામાં આવ્યું છે કે, બેડમિન્ટનની ચાર પૈકી એક પણ કોર્ટ કોઇ જ અધિકારીઓ માટે રિઝર્વ રાખવામાં આવી નથી. જામનગરના કોઇ પણ બેડમિન્ટન ખેલાડી અથવા આ રમત શિખવા ઇચ્છતાં કોઇ પણ વ્યકિત કોઇ પણ સમયે સંકુલના નિયમો મુજબ બેડમિન્ટન કોર્ટ સહિત કોઇપણ વિભાગનો મુકત રીતે ઉપયોગ કરી શકે છે.

અત્રે ‘ખબર ગુજરાત’ દ્વારા જામનગરના જે નગરજને આ સમસ્યા અંગે અમારું ધ્યાન દોરવામાં આવ્યું હતું તે નગરજનનો તેમજ આ પ્રશ્ર્નના નિવારણ માટે સહયોગ આપનાર જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગોનો અત્રે જાહેર આભાર માનવામાં આવે છે. જામનગરના કોઇપણ નગરજન તંત્રોને લગતી કોઇ પણ ફરિયાદ, રજૂઆત અથવા સમસ્યા અંગે ‘ખબર ગુજરાત’ કાર્યાલયનો સંપર્ક સાધી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular