દ્વારકા નજીકના યાત્રાધામ બેટ દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પર દબાણો કરનાર સામે કાર્યવાહીના અહેવાલો બાદ દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીએ ટવિટર પર જણાવ્યુ છે કે, મને આશા છે કે, બેટ દ્વારકાના જમીન દબાણોની સાથે સાથે દ્વારકામાં જગત મંદિરની આસપાસ થયેલા અનધિકૃત બાંધકામો પણ દૂર થશે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ પ્રસિધ્ધ જગત મંદિર આસપાસ થયેલા અનધિકૃત બાંધકામોને પરિણામે શ્રદ્ધાળુ ભક્તોમાં અનેરું મહત્વ ધરાવતા મંદિરના શિખરજી અને ધ્વજાજીના દર્શન અવરોધાય છે અને સ્થાનિક ઉપરાંત દુનિયાભરમાથી આવતા યાત્રાળુઓને ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આમ, ધનરાજ નથવાણીની ટ્વીટ બાદ જગત મંદિર આસપાસના દબાણો દૂર થવાની અને મંદિરના ધ્વજાજી તથા શિખરજીના દર્શનની સુવિધામાં ઉમેરો થવાની આશા સ્થાનિકોમાં ઉઠવા પામી છે.