Monday, December 23, 2024
Homeરાજ્યજિલ્લા પંચાયતમાં સત્તાપક્ષનો વિવાદ : પ્રમુખે શિક્ષણ સમિતિના અધ્યક્ષના નિવેદનને વાહિયાત ગણાવ્યું

જિલ્લા પંચાયતમાં સત્તાપક્ષનો વિવાદ : પ્રમુખે શિક્ષણ સમિતિના અધ્યક્ષના નિવેદનને વાહિયાત ગણાવ્યું

લખધીરસિંહે સૂચવેલા છ કામો મંજૂર કરી દેવામાં આવ્યાની પ્રમુખની સ્પષ્ટતા

- Advertisement -

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને પંચાયત શિક્ષણ સમિતિ અધ્યક્ષ વચ્ચેનો વિવાદ વધુ વકરવાના એંધાણ સાંપડી રહ્યા છે. પ્રમુખ સામે શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજાએ કરેલા આક્ષેપોને જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાએ વાહિયાત અને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે. એટલું જ નહીં મીડિયા સમક્ષ કરવામાં આવેલા આ પ્રકારના નિવેદનથી જિલ્લા પંચાયતની છબી પણ ખરડાઈ હોવાનું તેમણે જણાવ્યું છે. જિલ્લા પંચાયતની બજેટ બેઠક દરમિયાન સત્તાપક્ષ ભાજપાના જ સભ્ય અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ લખધીરસિંહ જાડેજાએ એવું નિવેદન કર્યુ હતું કે, તેમના કામોનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આ અંગે સ્પષ્ટતા કરતાં ધરમશીભાઈ ચનીયારાએ જણાવ્યું છે કે, લખધીરસિંહએ જે છ કામોનો ઉલ્લેખ કર્યો છે તે કામોને મંજૂર કરી દેવામાં આવ્યા છે એટલું જ નહીં આ અંગેની કાર્યવાહીની નોંધ પણ તેઓને મોકલી આપવામાં આવી છે તેમ છતાં મીડિયા સમક્ષ નિવેદન આપી તેઓ પંચાયતની છબી ખરડાઈ તેવા પ્રયાસો કરી રહ્યા હોવાનું જણાઇ રહ્યું છે. લખધીરસિંહે સૂચવેલા રૂા.32.35 લાખના છ કામોને 15 મા નાણાંપંચની ગાઈડલાઈન મુજબ મંજૂરી આપવામાં આવી છે. પ્રમુખે જણાવ્યું કે, પંચાયતમાં તમામ સભ્યોને સાથે રાખીને ‘સૌ નો સાથ સૌ નો વિકાસ’ ની તર્જ પર કામ કરવામાં આવે છે. ત્યારે જિલ્લા પંચાયતને બદનામ કરવામાં આવે તે ઉચિત જણાતું નથી. છતાં પણ જો કોઇ સભ્યને ગેરસમજ કે પ્રશ્ન હોય તો તેઓ પોતાને અથવા જિલ્લા વિકાસ અધિકારીને મળીને રૂબરૂ રજૂઆત કરી શકે છે તેમના પ્રશ્નનું નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular