સુરતના કડોદરા વિસ્તાર માંથી કાળજું કંપી ઉઠે તેવી ઘટના સામે આવી છે. ગ્રીન સિટીમાં આવેલા યુનિક એપોર્ટમેન્ટમાં રહેતી સગર્ભાએ ચોથા માળેથી કુદીને આપઘાત કરી લીધો છે. બાદમાં તેણીના ઘરમાં તપાસ કરવામાં આવી તો તેના ઘરમાંથી અઢી વર્ષનો એક બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. જેને લઈને ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તારણમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે માતાએ પોતાના પુત્રની હત્યા કર્યા બાદ આપઘાત કરી લીધો છે.
આ અંગે જ કડોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આપઘાત કરનારી મહિલાનું નામ વનિતાબેન પાંડે (ઉં.વ.30) અને પુત્રનું નામ ક્રિષ્ના (ઉ.વ.2.5) છે. ત્રની હત્યા બાદ મહિલાએ પોતાની નણંદ પર પુત્રની હત્યાનો આરોપ લગાવી ચોથા માળેથી મોતનો કૂદકો માર્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
આ મામલે મૃતક મહિલાના દિયરે જણાવ્યું હતું કે, ‘ભાભીએ આવું પગલું કેમ ભર્યું એ જ ખબર નથી પડતી. તેઓ યુપીના રહેવાસી છે અને ભાઈ મહેશના લગ્ન બાદ ભાઈ-ભાભીના બે સંતાન કે જેમાં મોટો પુત્ર આર્યન જે હાલ ઘરે છે અને નાનો પુત્ર ક્રિષ્ના કે જેનું મોત થયું છે. ભાઈ મહેશ ટેક્સટાઇલ્સમાં માસ્ટર છે. તેઓ 10 વર્ષથી કડોદરામાં રહેવા આવ્યાં છે.’ આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.