દેશમાં કોરોના સંક્રમણ હાહાકાર મચાવી રહ્યું છે અને ફરી એકવાર લોકડાઉન લાદવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેવા સમયે દેશમાં હવે લોકડાઉનનું રાજકારણ શરૂ થયું છે. લોકોને સંક્રમણથી બચાવવા અને લોકડાઉનના ફાયદા-ગેરફાયદા અંગે ગહન વિચારણા અને તંદુરસ્ત ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવાને બદલે રાજકીય નેતાઓ લોકડાઉનને પણ હવે રાજકીય અખાડો બનાવી દીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
લોકડાઉનને રાજકીય પક્ષો દ્વારા હવે રાજકીય ચશ્માથી નિહાળવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી મુદાઓની જેમ લોકડાઉનને પણ એક રાજકીય મુદો બનાવી દઇ મુખ્ય રાજકીય પક્ષો સામસામે આવી ગયા છે. જયારે પ્રથમ વખત દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારે સરકારનો ભરપૂર વિરોધ કરી રહેલાં વિપક્ષો હવે લોકડાઉનની તરફેણ કરી રહયા છે. જયારે સતાપક્ષ હવે લોકડાઉનની વિરૂધ્ધમાં આવીનો ઉભો રહી ગયો છે. પ્રધાનમંત્રીએ ગઇકાલે પોતાના રાષ્ટ્રજોગ સંદેશામાં દેશવ્યાપી લોકડાઉનનો કોઇ પ્રશ્ર્ન જ ઉપસ્થિત થતો ન હોવાનું જણાવી આ મુદે કેન્દ્ર સરકારનું સ્ટેન્ડ કલીયર કર્યુ છે. તો બીજી તરફ વિપક્ષો હવે લોકડાઉનના મૂડમાં આવી ગયા હોય તેમ જણાઇ રહયું છે. લોકડાઉન મુદે દેશમાં રીતસર બે રાજકીય વિચારધારોઓના ભાગ પડી ગયા હોય તેવું જણાઇ રહયું છે. પરિણામે પોતપોતાના રાજકીય હેતુ સિધ્ધ કરવા માટે કોંગ્રેસ અથવા વિપક્ષ શાસિત રાજયો પોતપોતાના રાજયોમાં લોકડાઉનની તરફેણ કરી વિવિધ સ્તરે સંપૂર્ણ લોકડાઉન લગાવી રહયા છે. તો બીજી તરફ ભાજપા શાસિત રાજયો બિલકુલ વિપરીત દિશામાં ચાલી રહયા છે.
આવા હવે લોકડાઉનની તરફેણમાં નથી. પોતાના રાજયોમાં લોકડાઉન લગાવવામાં નહીં આવે તેવી સ્પષ્ટ જાહેરાતો જુદા-જુદા રાજયોમાં મુખ્યમંત્રીઓ કરી ચૂકયા છે. એટલું જ નહીં ઉત્તર પ્રદેશની ભાજપા સરકાર લોકડાઉન લગાવવાના હાઇકોર્ટના આદેશ વિરૂધ્ધ રાતોરાત સુપ્રિમકોર્ટ દોડી જઇ ત્યાંથી લોકડાઉન સામે સ્ટે લઇ આવી છે. તો બીજી તરફ દિલ્હી, ઝારખંડ, રાજસ્થાન જેવા વિપક્ષ શાસિત રાજયોએ એક સપ્તાહથી માંડીને 10 દિવસ સુધીના સંપૂર્ણ લોકડાઉન ઝીંકી દીધા છે. પ્રધાનમંત્રી પણ ગઇકાલે કહી ચૂકયા છે કે, લોકડાઉન એ રાજય સરકારો માટે અંતિમ વિકલ્પ હોવો જોઇએ. આમ લોકડાઉન મુદ્દે સરકાર અને વિપક્ષ સામસામા આવી ગયાં હોય તેવો તાલ સર્જાયો છે. આવી સ્થિતિમાં પ્રજામત અને જમીન પરની સ્થિતિ બિલકુલ વિસરાઇ ગઇ હોય તેવું જણાઇ રહયું છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કોરોનાની સ્થિતિ અતિ ગંભીર હોવાનું જણાવી જુદા-જુદા શહેરોના મેડિકલ એસોસિએશનનો કોરોનાની ચેઇન તોડવા માટે સંપૂર્ણ લોકડાઉનની માંગણી કરી રહયા છે. જેમાં જામનગર મેડિકલ એસોસિએશનનો પણ સમાવેશ થાય છે. મોટાભાગના વ્યાપારીઓ અને નાગરિકો પણ હવે લોકડાઉનની તરફેણમાં હોવા છતાં રાજય સરકાર છે કે, માનતી જ નથી. સરકાર એવું ઇચ્છી રહી છે કે, લોકો સ્વયંભુ અર્થાત સ્વૈચ્છિક લોકડાઉન કરે પરંતુ મેડિકલ એસોસિએશનનું સ્પષ્ટ કહેવું છે કે, સ્વયંભુ લોકડાઉનથી કંઇ જ નહીં વળે. આમ લોકડાઉનની રાજકીય લડાઇમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ અને પ્રજાનો ખો નિકળી ગયો છે.