દિલ્હી રમખાણ કેસમાં દિલ્હીની કડકડડૂમા કોર્ટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી છે અને દિલ્હી પોલીસને 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. વર્ષ 2020માં દિલ્હી હિંસા દરમિયાન પોતાના કર્તવ્યોનું પાલન ઠીક રીતે ન કરતાં કોર્ટ દ્વારા આ દંડ લગાવવામાં આવ્યો છે. એટલે કે દિલ્હી પોલીસ પોતાનું કામ કરવામાં નિષ્ફળ રહી હતી અને એ જ કારણે કોર્ટે આ દંડ ફટકાર્યો છે.
ગત વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં હિંસા ભડકી ઉઠી હતી. આ દરમિયાન મોહમ્મદ નાસિરને આંખમાં ગોળી વાગી હતી. તે પોલીસની પાસે પોતાની ફરિયાદ લઈને એફઆઇઆર નોંધાવવા ગયો હતો. પણ દિલ્હી પોલીસે નાસિરની ફરિયાદને બીજી એફઆઇઆર સાથે જોડી દીધી હતી.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, સમગ્ર મામલાને જોતાં એવું લાગે છે કે પોલીસ જ આરોપીઓને બચાવી રહી છે. કડકડડૂમા કોર્ટની સેશન્સ કોર્ટે દિલ્હી હિંસાના એક મામલા પર નિર્ણય સંભળાવતા કહ્યું કે, દિલ્હી પોલીસે પોતાનું કામ યોગ્ય રીતે કર્યું નથી. સમગ્ર મામલો જોતાં લાગે છે કે પોલીસ જ આરોપીઓને બચાવી રહી છે. પોલીસે આ મામલે ખુબ જ ઢીલું વલણ અપનાવ્યું છે.
મોહમ્મદ નાસિરને 24 ફેબ્રુઆરી 2020 દિલ્હી હિંસા દરમિયાન આંખમાં ગોળી વાગી હતી. મોહમ્મદ નાસિર 19 મે 2020ના રોજ 6 લોકો સામે ગોળી મારવાની ફરિયાદ નોંધાવી હતી. મોહમ્મદ નાસિરે આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પોલીસે વગર કોઈ તપાસે નાસિરની ફરિયાદને અન્ય એફઆઇઆરમાં જોડી દીધી હતી. જેનાથી નાસિરનો કોઈ સંબંધ ન હતો.
નાસિરે 17 જુલાઈ 2020ના રોજ દિલ્હી પોલીસ દ્વારા તેની ફરિયાદ ન નોંધવાને લઇને કડકડડૂમા કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. 21 ઓક્ટોબર 2020એ કોર્ટે દિલ્હી પોલીસને નાસિરની ફરિયાદ પર એફઆઇઆરનોંધવા આદેશ કર્યો હતો. અને 29 ઓક્ટોબરના રોજ દિલ્હી પોલીસ મેટ્રોપોલિટન કોર્ટના આદેશ સામે સેશન્સ કોર્ટ પહોંચી હતી. સેશન્સ કોર્ટે મેટ્રોપોલિટન જજ દ્વારા એફઆઇઆર કરવાના આદેશ પર સ્ટે આપ્યો અને સમગ્ર મામલે સુનાવણી શરૂ કરી હતી.
13 જુલાઈએ કોર્ટે આ સમગ્ર મામલે દિલ્હી પોલીસને જબરદસ્ત ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું કે, દિલ્હી પોલીસની કાર્યવાહી ચોંકાવનારી છે. પોલીસે તપાસ કર્યાં વગર જ આરોપીઓને કેવી રીતે ક્લિન ચીટ આપી દીધી. દિલ્હી પોલીસે આ સમગ્ર મામલાની તપાસ ખુબ જ ઢીલી અને નિષ્ઠુર થઈને કરી છે.
કોર્ટે એમ પણ કહ્યું કે, સમગ્ર મામલાને જોતાં સમજ આવે છે કે પોલીસ જ આરોપીઓને બચાવવાનું કામ કરી રહી છે. કોર્ટે દિલ્હી પોલીસ કમિશનરને પણ નિર્દેશ કર્યો છે કે આવા મામલાઓની તપાસ ખુબ જ યોગ્ય રીતે થવી જોઈએ. કોર્ટે ફરિયાદકર્તાને કહ્યું કે પોલીસની સામે કાર્યવાહી કરવા માટે કોર્ટ જઈ શકે છે.