દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલ.સી.બી. પોલીસ દ્વારા વિવિધ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગઈકાલે સોમવારે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા પંથકમાં પહોંચતા એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા તથા મસરીભાઈ છુછરને મળેલી ચોક્કસ બાતમીના આધારે વસઈ ગામની સીમમાં રહેતા હિન્દુ વાઘેર લખમણભા નથુભા માણેક અને કરસનભા દેવુભા માણેક નામના બે શખ્સો દ્વારા પોતાના રહેણાંક મકાન નજીક કબ્જા ભોગવટાની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી અને દારૂ ગાળવાની અસામાજિક પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાથી આને અનુલક્ષીને પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, તથા તેમની ટીમ દ્વારા અહીં જંગલ જેવા વિસ્તારમાં ઝાડી જાખરામાંથી પસાર થઈ અને લાંબી જહેમત બાદ આ સ્થળે પહોંચવામાં સફળતા મળી હતી.
અહીંથી પોલીસે 300 લીટર દેશી દારૂ, 11250 લીટર દારૂ બનાવવાનો આથો, 15 ડબ્બા અખાદ્ય ગોળ જેવી દારૂ બનાવવામાં વપરાતી ચીજ વસ્તુઓ ઉપરાંત અહીં રહેલું રૂપિયા 20,000 ની કિંમતનું જી.જે. 37 એ. 8806 નંબરનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ મળી, ચાર ટ્રેકટર ભરીને કુલ રૂ. 84,790 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આરોપીઓ નાસી છૂટવામાં સફળ થયા હતા.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, બલભદ્રસિંહ ગોહિલ, કુલદીપસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, મસરીભાઈ, સચિનભાઈ, વિશ્વદિપસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.