ગત્ જાન્યુઆરીમાં એક સગીરાનું અપહરણ કરી રૂા.10 કરોડની ખંડણી માંગનાર 04 શખ્સોને પોલીસે ગઇકાલે બુધવારે અંજારમાંથી શોધી લીધા છે. જોકે, અપહરણની વાર્તાને આ શખ્સો અંજામ સુધી પહોંચાડી શકયા ન હતાં. આરોપીઓએ પોતાનો પ્લાન અધવચ્ચે મૂકી દેવો પડયો હતો.
પોલીસે બાતમીના આધારે હિતેશ ઉર્ફે રાજ કટારીયા(31), રવજી હડિયા(32), વિકાસ કટારિયા(24) અને હસમુખ માળી(24)નામના ચાર શખ્સોને અંજારથી ઝડપી લીધાં છે. પાંચમો ઉપેન્દ્ર વિશ્ર્વકર્મા નામનો શખ્સ હજૂ ફરાર છે.
કેસની વિગત એવી છે કે, 15મી જાન્યુઆરીએ અંજારના એક વેપારીએ પોલીસમાં એવું જાહેર કર્યું હતું કે, તેની સગીર પૂત્રીનું અપહરણ થયું હતું અને અપહરણ કરનારાઓ રૂા.10 કરોડની માંગણી કરે છે.
પુત્રીના પિતાની આ કેફીયત પછી એકશનમાં આવેલી પોલીસે અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી એક કાર શોધી કાઢી હતી અને બીજે દિવસે સવારે ભુજ નજીકથી આ સગીરા પોલીસને મળી આવી હતી.
આરોપીઓ પૈકીનો હિતેશ કટારીયા અંજારમાં રાજફિલ્મ નામની માર્કેટીંગ કંપની ચલાવે છે અને તેનો મિત્ર રવજી વિદેશ જવા ઇચ્છતો હતો તેથી આ આરોપીઓએ અપહરણ અને ખંડણીની સ્ક્રીપ્ટ ઘડી કાઢી હતી. પરંતુ તેઓ નિષફળ નિવડયા હતા.
ફરીયાદી વેપારીને ત્યાં અગાઉ ઉપેન્દ્ર વિશ્ર્વકર્મા નામનો શખ્સ નોકરી કરતો હતો. તેણે આપેલી માહિતીના આધારે આ આરોપીઓએ આ યોજના ઘડી કાઢી હતી. પરંતુ આરોપીઓ યોજનાને અંજામ આપી શકયા ન હતા.