જામનગર શહેરમાં ગોલ્ડન સીટી પાછળ આવેલા જૂના આવાસ તરફ જવાના માર્ગ પરથી એસઓજીની ટીમે દેશી હાથ બનાવટના તમંચા સાથે જૂનાગઢના શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગરમાં દેશી તમંચા સાથે શખ્સ આવ્યો હોવાની એસઓજીના રવિ બુજડ, શોભરાજસિંહ જાડેજા, રાજેશ મકવાણાને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ કે.જે. ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એસ. ગરચર તથા હેકો શોભરાજસિંહ જાડેજા, રવિ બુજડ, રાજેશ મકવાણા, હર્ષદ ડોરિયા અને રમેશ ચાવડા સહિતના સ્ટાફે વોચ ગોઠવી ગોલ્ડન સીટી સોાસયટી પાછળ આવેલા જૂના આવાસ તરફ જવાના માર્ગ પર શિવ હોટલ નજીકથી જૂનાગઢના અદનાદ મુસ્તાક શેખ (ઉ.વ.21) નામના મજૂરીકામ કરતા શખ્સને આંતરીને તલાસી લેતા તેમની પાસેથી રૂા.5000 ની કિંમતની ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો મળી આવતાં ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.