જામનગર શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડમાં જામનગર-મોરબીની બસના ચાલકે જોયા વગર બેદરકારી પૂર્વક બસ ચાલુ કરી દેતા બસમાં ચઢતા પ્રૌઢ નીચે પડી અને આગલા વ્હીલમાં આવી જતાં ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં વુલનમીલ ખેતીવાડી સામે આવેલા ઈન્દીરા કોલોનીમાં રહેતાં નારણભાઈ વાઘેલા નામના પ્રૌઢ ગત તા.27 ના રોજ સવારના 9 વાગ્યાના અરસામાં એસ.ટી. ડેપોમાં ગયા હતાં અને જ્યાં જામનગર-મોરબી રૂટની બસમાં ચઢવા જતાં હતાં ત્યારે બસના ચાલકે બેદરકારી દાખવી દરવાજા તરફ જોયા વગર બસ ચલાવી મુકતા પ્રૌઢ ચાલુ બસે નીચે પડી જતા આગલા વ્હીલમાં આવી ગયા હતાં. અકસ્માતમાં વૃધ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો એલ.કે. જાદવ તથા સ્ટાફે પ્રૌઢના પુત્ર ગોરધનભાઈના નિવેદનના આધારે બસચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.