જામનગર શહેરમાં રાજપાર્ક વિસ્તારમાં ધંધાખાર રાખી ચાર શખ્સોએ ગેરેજના સંચાલક યુવાન ઉપર લોખંડના પાઈપ અને ક્લચના વાયર વડે તથા લોખંડના સળિયા વડે માર મારી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતો હિતેશ પરશોતમભાઈ ખોખરીયા નામનો યુવાન જામનગર શહેરમાં રાજપાર્ક સેવા સદનની સામે ગેરેજ ચલાવતો હતો અને તેની બાજુમાં જ સોહીલનું ગેરેજ આવેલું હતું. પરંતુ, હિતેશનું ગેરેજ ચાલતું હતું ત્યારે સોહીલનું ગેરેજ ચાલતું ન હોવાથી ધંધાખાર રાખી સોમવારે સવારના સમયે સોહિલ હાસમ, મહેબુબ હાસમ, હાસમ તથા અજાણ્યા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી હિતેશ ઉપર લોખંડના પાઈપ, કલચના વાયર તથા લોખંડના સળિયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા હિતેશેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઇ એચ.બી. વડાવીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ હિતેશના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.