હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ જામનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. ત્યારે જિલ્લામાં પહેલેથી જ છલોછલ ભરાયેલાં અથવાતો છલકાય રહેલાં જળાશયો ભારે વરસાદની સ્થિતિમાં આફત નોતરી શકે છે. જિલ્લના કુલ 25 જળાશયો પૈકી 23 જળાશયો હાલ છલોછલ ભરેલાં છે. જયારે માત્ર બે જળાશયો ટેકનિકલ કારણોસર સંપૂર્ણ ભરી શકાય નથી. તેવી સ્થિતિમાં જિલ્લાનો એક પણ ડેમ વધારાના તસુભાર પાણીનો પણ સંગ્રહ કરી શકે તેમ નથી. હવે, ડેમના કેચમેન્ટ એરિયામાં જેટલો પણ વરસાદ થશે તે તમામ પાણી જળાશયમાંથી વહી જશે અને અથવા તો છોડી દેવું પડશે. આવી સ્થિતિમાં જો ભારે વરસાદ થયો તો તમામ પાણી કાઠાળ વિસ્તારોને તબાહ કરી શકે છે. ફરી એક વખત જિલ્લામાં કાઠાળ વિસ્તારોમાં સપ્તાહ પહેલાંના તબાહીના એ દશ્યો જોવા મળી શકે છે.
આ સ્થિતિથી સિંચાઇ વિભાગ અને જિલ્લા તંત્ર સંપુર્ણ પણે માહિતગાર હોય જળાશયો પર સતત વોચ રાખી રહ્યું છે. અગમચેતીના ભાગરૂપે કેટલાંક જળાશયોમાંથી ક્રમબધ્ધ રીતે પાણીનો જથ્થો છોડવામાં પણ આવી રહ્યો છે. જેથી ભારે વરસાદની સ્થિતિમાં અચાનક આફત આવી ન પડે પરિસ્થિતિ કાબુ બહાર જાય તે પહેલાં જ સિંચાઇ વિભાગ દ્વારા કેટલાંક પગલાઓ લેવાઇ રહ્યા છે. જે મુજબ જળાશયના રૂલ લેવલ પ્રમાણે પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. આજે પણ જિલ્લાના ત્રણ તાલુકા વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ જેવો વરસાદ વરસ્યો હોય આ પાણી જળાશયોમાં ઠલવાઇ રહ્યું છે જેને ધ્યાનમાં રાખી જિલ્લા તંત્ર દ્વારા પાંચ જટેલાં જળાશયોમાંથી પાણી છોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તેમજ જળાશયોની હેઠવાસમાં આવેલાં વિસ્તારોને સતર્ક કરવામાં આવી રહ્યા છે.
હવે, જામનગર જિલ્લામાં જેટલો પણ વરસાદ વરસશે તે તમામ પાણી નદીમાં વહેવાનું નક્કી છે. ત્યારે કાઠાળ વિસ્તારના રહેવાસીઓએ પણ સતર્કતા દાખવવી ખુબ જરૂરી બની ગઇ છે.