ખંભાળિયા તાલુકાના વાડીનારથી દ્વારકા નજીક આવેલા કુરંગા ગામ સુધી રૂા. 1,100 કરોડથી વધુના ખર્ચે ફોર લેન સી.સી. રોડનું કામ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. ખંભાળિયા શહેરમાં જામનગરથી પ્રવેશવાના માર્ગ પર ઓવરબ્રિજનું કામ પણ હાલ ચાલી રહ્યું છે. મંથર ગતિએ ચાલતા આ કામ વચ્ચે હાલ આ પુલની બંને બાજુ વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે. ખંભાળિયા સાથે દ્વારકા, પોરબંદર, ભાણવડ તથા સલાયા તરફ જવા માટે આ રસ્તો અનિવાર્ય છે. ખંભાળિયા પંથકમાં છેલ્લા દિવસોના વરસાદથી આ પુલની બંને બાજુ પાણી ભરાતા વાહન ચાલકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યો છે.
આ મુદ્દે અહીંના જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાને રજૂઆત કરાતા તેમના દ્વારા નેશનલ હાઈ-વે ઓથોરિટીના કોન્ટ્રાક્ટરને આ ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવા તથા ડાયવર્ઝનમાં ખાડા તથા ભરાયેલા પાણીનો નિકાલ કરી, જરૂરી રીપેરીંગ કામ કરવા જણાવ્યું હતું. આગામી બે-ત્રણ સપ્તાહમાં આ પુલનું કામ પૂર્ણ થઈ જાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
નવા બની રહેલા આ ઓવરબ્રિજ કે જેની બંને સાઈડની દિવાલો પણ નવી જ બનાવવામાં આવી છે. અહીં ઉપરના ભાગે નવી દિવાલમાં ખાડો પડી ગયો હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે. આ પરિસ્થિતિમાં આગામી સમયમાં પુલની ગુણવત્તા અંગેનો સવાલ પણ લોકોમાં ચર્ચા રહ્યો છે.