કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની તપાસ વધુ સરળ અને ઝડપી બનશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દિબ્રુગઢે એક ટેસ્ટિંગ કીટ તૈયાર કરી છે જેના દ્વારા માત્ર બે કલાકમાં જ ઓમિક્રોન અંગે જાણી શકાશે. હાલમાં ઓમિક્રોનની પુષ્ટિ માટે જીનોમ સિક્વન્સિંગ કરવું પડે છે, જેમાં ત્રણથી ચાર દિવસનો સમય લાગતો હોય છે.
અત્યંત ઝડપથી પ્રસરતાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની તાત્કાલિક તપાસને લઇને બધા ચિંતિત હતા, પરંતુ ICMRના ઉત્તરપૂર્વમાં કાર્યરત પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ આનો તોડ શોધી કાઢ્યો છે. હાલ ભારતમાં ઓમિક્રોનના દર્દીઓની કુલ સંખ્યા 33 થઈ ગઈ છે અને ઘણા શંકાસ્પદ દર્દીઓના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ડો. વિશ્વજ્યોતિ બોરકાકોટીની આગેવાની હેઠળના ICMRના વૈજ્ઞાનિકોએ આ ટેસ્ટ કીટ વિકસાવી છે અને તેનું ઓમિક્રોન વેરિયન્ટના ખાસ સિન્થેટિક જનીન ફ્રેગમેન્ટ પર પરીક્ષણ કરાયું છે અને પરિણામ 100% સચોટ આવ્યું છે. ડો. બોરકાકોટીએ જણાવ્યું હતું કે, આ કીટનો મહત્વપૂર્ણ એટલા માટે છે કે હાલમાં આ વેરિયન્ટને શોધવા માટે ટાર્ગેટેડ સિક્વન્સિંગ માટે 36 કલાક અને કુલ જીનોમ સિક્વન્સિંગ માટે 4થી 5 દિવસનો સમય લાગે છે. ખાસ વાત એ છે કે દર્દીના સામાન્ય સ્વેબ સેમ્પલ પરથી તરત જ તેની ઓળખ થઈ જાય છે. આ કીટ સંપૂર્ણપણે ભારતમાં ખાનગી-સરકારી ભાગીદારી હેઠળ બનાવવામાં આવશે અને આ માટે ઈંઈખછ દ્વારા કોલકાતા સ્થિત જીસીસી બાયોટેકને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.