લાલપુર તાલુકાના નવાગામના વાડી વિસ્તારમાં રહેતાં વૃધ્ધ ઉપર બે ભાઈ સહિતના ત્રણ શખ્સોએ વૃદ્ધના કબ્જામાં રહેલી જમીન પચાવી પાડવા અવાર-નવાર ધાક-ધમકીઓ આપ્યા છતાં જમીન ખાલી નહીં કરતા વૃદ્ધ ઉપર હુમલો કરી પછાડી દઇ કારની ઠોકર મારી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના નવાગામના વાડી વિસ્તારમાં રહેતાં ભીખાભાઈ બાધાભાઈ કેશવાલા (ઉ.વ.65) નામના વૃધ્ધના કબ્જામાં રહેલી ખેતીની જમીન સાપર ગામમાં રહેતાં બળદેવ સવદાસ ગોરાણીયા અને સંજય સવદાસ ગોરાણીયા નામના બે ભાઈઓ આ જમીન પચાવી પાડવા માટે ખાલી કરાવવા માટે અવાર-નવાર વૃદ્ધને ધમકી આપતા હતાં. પરંતુ બંને ભાઈઓની ધમકીઓને વૃધ્ધ ગણકારતા ન હતાં. દરમિયાન સોમવારે મધ્યરાત્રિના અરસામાં બળદેવ અને સંજય ગોરાણીયા તથા એક અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ વૃદ્ધની વાડીએ આવી જમીન ખાલી કરાવવા ધમકી આપી હતી. પરંતુ વૃદ્ધે ખાલી કરવાની ના પાડતા ત્રણેય શખ્સોએ વૃદ્ધને ઢીકાપાટુનો માર મારી પલંગ ઉપરથી નીચે પછાડી ઢસડીને પછાડયા હતાં તેમજ થાર કારની ઠોકર મારી હત્યા નિપજાવી હતી.
બનાવ અંગેની જાણ થતા પીએસઆઈ વાય.ડી.રાણા તથા સ્ટાફ સ્થળ પર અને હોસ્પિટલ પહોંચી ગયો હતો જ્યાં મૃતકના પુત્ર ભરતભાઈના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.