ગુજરાતમાં વહેલી ધારાસભા ચૂંટણીની અટકળો નકારતા વચ્ચે પણ રાજયમાં ભાજપે જે રીતે સરકાર અને સંગઠનની કામગીરીને વેગવાન બનાવી છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ત્રણ દિવસ રાજયમાં રોકાઈને સૌરાષ્ટ્ર તથા બનાસકાંઠા અને દાહોદ જીલ્લામાં મેદનીને સંબોધી શકાય તેવા આયોજનો તથા રોડ-શો કરી ગયા તેથી ભાજપ ચૂંટણી મૌડમાં પુરેપુરો હોવાની ચર્ચા છે અને હવે તા.21/22 ગુજરાત ભાજપના પ્રભારી તથા કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ હવે ગુજરાતમાં મુકામ કરશે અને સંગઠનની બેઠકો યોજાનાર છે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન પછી યાદવ પ્રથમ વખત રાજયની મુલાકાતે આવી રહ્યા છે
તે પણ સૂચક છે તે જોતા રાજયમાં આ માસમાં જ ચૂંટણી જાહેર થઈ શકે છે તેવી ચર્ચા ફરી વેગવાન બની છે. જો કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હાલમાં જ પક્ષના કાર્યકર્તાઓને સંબોધન કરતા તેઓ પાસે ચૂંટણી પુર્વેના 25 અઠવાડિયા હોવાનું જણાવ્યું હતું અને તેઓએ પણ પત્રકારો સાથેની વાતચીતમાં વહેલી ચૂંટણીની શકયતા નકારી હતી.
પણ ભાજપ હંમેશા ‘સરપ્રાઈઝ’ આપવા જાણીતા છે. ખાસ કરીને ગુજરાતમાં ભાજપનો મુકાબલો કરવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ બન્ને મજબૂત તૈયારી કરી રહ્યા છે તથા જે રીતે પ્રશાંત કીશોર પણ ગુજરાતમાં એકટીવ બને તેવા સંકેત છે. જયારે પાટીદાર નેતા નરેશ પટેલ પણ કોંગ્રેસ સાથે જશે તેવું માનવામાં આવે છે. તેથી કોઈ મજબૂત ધરી વિપક્ષની અને તે પુર્વે જ સ્નેપ ઈલેકશનથી ભાજપ તૈયારી કરવાની તક આપશે નહી તેવા સંકેત છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ રાજયમાં ચૂંટણીપંચ પણ 15 દિવસની નોટીસ અને ચૂંટણીના 45 દિવસ ગમે તે સમયે ચૂંટણી યોજી શકે છે. ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાય છે અને તેના પર પણ સૌની નજર છે.
ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ યાદવ ભાજપના ટોચના નેતાઓ સાથે બે દિવસ સંગઠન ચર્ચા કરશે અને તા.26ના રોજ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા પણ આવી રહ્યા છે. યાદવ આવતીકાલે ગાંધીનગર આવી પહોંચશે અને પક્ષના વિવિધ વિભાગોના હોદેદારો સાથે બેઠક યોજશે. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ ઉપસ્થિત રહેશે. તા.22ના રોજ વિવિધ મોરચાના પદાધિકારીઓ સાથે બેઠક યોજશે અને બાદમાં રાજયનાં મંત્રીઓ અને કોર કમીટીના સભ્યો સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠકો યોજશે. આ તમામ મુલાકાતમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયના સીનીયર મંત્રીઓ સાથે અલગ અલગ બેઠકો યોજી હતી અને તેમની પાસેથી તેમના વિભાગોનું તથા સરકારનું રિપોર્ટ કાર્ડ મેળવ્યું હતું અને તે પછી હવે પ્રદેશ પ્રભારી ફરી એક વખત રાજયના મંત્રીઓ સાથે બેઠક યોજનાર છે અને તે પણ સૂચક છે અને કોર બેઠકમાં પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણ હાજર રહેશે. આમ ભાજપ સરકાર અને સંગઠન બંનેને દોડતું રાખી રહ્યું છે તે પણ સૂચક છે.