રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. 25 જૂને ચોમાસું બેઠું ત્યારથી સતત વરસાદ ચાલુ છે. હજુ પહેલો રાઉન્ડ પૂર્ણ થયો નથી, ત્યાં બીજો રાઉન્ડ શરૂ થશે. ભારે વરસાદના પગલે નદીનાળાં છલકાયાં હતાં અને મોટાભાગના ડેમ પણ ઓવરફ્લો થઈ જવા પામ્યા છે.
સુરત શહેરમાં વહેલી સવારે જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. પાલ, અડાજણ, રાંદેર, રિંગરોડ વેસુ વરાછા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે વરસાદી માહોલ સર્જાયો છે. સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. ગઈકાલે બપોર બાદ સુરતીઓએ બફારો અનુભવ્યો હતો. આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો. વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ સમગ્ર શહેરમાં જામી ગયો છે. વરસાદ થતાંની સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. ઘરેથી કામકાજ માટે બહાર નીકળતા લોકો રેઈનકોટ અને છત્રી લઈને બહાર નીકળતા દેખાયા.
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે. ખાસ કરીને 7 અને 8 જુલાઈ એમ બે દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે. 5 અને 6 જુલાઈ એમ બે દિવસ સામાન્ય વરસાદ ત્યાર બાદ રાજ્યમાં ભારે વરસાદ પડશે.