જામનગર મહાપાલિકાના આગામી નાણાંકિય વર્ષના અંદાજપત્રને મંજુરીની પ્રક્રિયા મ્યુનિસિપલ કમિશનરે નવી બોડી પર છોડી દીધી છે. બજેટને મંજુરી આપવાની જવાબદારીમાંથી કમિશનરે હાથ ઉંચા કરી લઇ આ જવાબદારી નવી બોડી પર નાખવાનો નિર્ણય કર્યો છે. જામનગર મહાપાલિકાનું વર્ષ 2021-22નું અંદાજપત્ર આજે રજૂ કરવાનું હતું. પરંતુ છેલ્લી ઘડીએ કમિશનરે બજેટની રજૂ કરી તેને મંજુરી આપવાની પ્રક્રિયા ટાળી છે. આ માટે ભાવનગર અને વડોદરા મહાપાલિકાનો હવાલો આપવામાં આવ્યો છે તો બીજી તરફ અમદાવાદ અને સુરત મહાપાલિકાના કમિશનર દ્વારા આગામી વર્ષના અંદાજપત્રને મંજૂરી આપી દેવામાં આવી છે. નિયમ મુજબ 20 ફેબ્રુઆરી પહેલાં મહાપાલિકાનું બજેટ સામાન્ય સભામાં મંજૂર કરીને સરકારને મોકલી આપવાનો હોય છે. પરંતુ આ વખતે ચૂંટણીને કારણે સામાન્ય સભા અસ્તિત્વમાં ન હોય આ જવાબદારી કમિશનરના શીરે આવી પડી છે. ત્યારે કમિશનર બજેટ અંગે કોઇપણ પ્રકારનું જોખમ લેવા તૈયાર ન હોય, બજેટને મંજુરી આપવાની પ્રક્રિયા નવી બોડી પર નાખી દેવાનો સરળ રસ્તો અપનાવ્યો છે. જો કે, બજેટ મંજૂરીની પ્રક્રિયાને લઇને કેટલીક કાનૂની ગુંચવણો ઉભી થવાની સંભાવના પણ તજજ્ઞ દ્વારા વ્યકત કરવામાં આવી છે.