જામનગરના શંકરટેકરી વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલાં રક્ષાબંધનના દિવસે ફૂવા પર ભત્રીજાએ કાતર વડે હુમલો કરી ફુવાની હત્યા નિપજાવી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી ભત્રીજાને આજીવન કેદની સજાનો આદેશ કર્યો છે.
આ કેસની વિગત મુજબ, જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા રમાબેન ગૌતમભાઈ સૌંદરવા ગત તા.26-8-2018 ના રોજ રક્ષાબંધન નિમિત્તે શંકરટેકરીમાં રહેતાં તેમના ભાઈને રાખડી બાંધવા ગયા હતાં. જ્યાં રમાબેનના પતિ ગૌતમભાઈ સૌંદરવા અને તેમનો છ વર્ષનો પુત્ર પણ સાથે હતાં. આ દરમિયાન પ્રશાંત ઉર્ફે પશીયો અજીતભાઈ ચાવડાએ જૂની અદાતવના કારણે પોતાના જ ઘરમાં તેના ફુવા ગૌતમ ઉપર કાતર વડે હુમલો કરતા ગંભીર ઈજા પામેલા ગૌતમભાઈ લક્ષ્મણભાઈ સોંદરવાનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે રમાબેને તેણીના પતિની હત્યા નિપજાવવા અંગે પોતાના જ ભાઈના પુત્ર પ્રશાંત સામે જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં અદાલતમાં ચાલી જતા એક માત્ર બનાવને નજરે જોનાર મૃતકના છ વર્ષના પુત્રએ પોતાના પિતા પર કરાયેલા હુમલાની વિગત અદાલતમાં વર્ણવી હતી. આ કેસમાં સરકાર તરફે આર.બી.રાવલ અને મુળ ફરિયાદી પક્ષે વકીલ કિરણ બગડાની દલીલો અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજૂ કર્યા હતાં. તેમજ પુત્રની નજર સમક્ષ પિતાની નિર્મમ હત્યા કરાઇ છે જેથી તમામ પૂરાવાઓને રજૂઆત ધ્યાનમાં રાખીને ન્યાયમૂર્તિ મૂલચંદ ત્યાગીએ આરોપી પ્રશાંત અજિતભાઈ ચાવડાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે.
ત્રણ વર્ષ પૂર્વે ફૂવાની હત્યા નિપજાવનાર ભત્રીજાને આજીવન કેદ
શંકરટેકરી વિસ્તારમાં રક્ષાબંધનના દિવસે પુત્રની નજર સમક્ષ પિતાની હત્યા : ફરિયાદીના વકીલોની દલીલો અને પૂરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને આકરી સજા