જામનગર મહાપાલિકા દ્વારા શહેરમાં નવા બે આરોગ્ય કેન્દ્રની નિર્માણ કરવામાં આવશે. જયારે ટાઉનહોલમાં રિનોવેશન અને સુધારા વધારા માટે રૂા. 4.29 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં લાલપુર રોડ ઉપર પંપ હાઉસ પાછળ તેમજ મહાકાલી સર્કલથી બેડી રીંગ રોડ મેઇન રોડ ઉપર નવા બે આરોગ્ય કેન્દ્ર બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં આવેલા ટાઉનહોલના રીનોવેશન રીપેરીંગ તથા સુધારા વધારા માટે રૂા. 4.29 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. શહેરના વોર્ડ નં. 2-3 અને 4માંથી પસાર થતી કાચી કેનાલને વિનાયક પાર્કથી જલારામ પાર્ક સુધી આર.સી.સી. બોકસ કેનાલ બનાવવા માટે રૂા.7.60 કરોડના ખર્ચનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. જયારે અંબર ચોકડીથી વિવેકાનંદ સોસાયટી સુધીની કેનાલને પણ રૂા.4.42 કરોડના ખર્ચે આર.સી.સી. બોકસ કેનાલ બનાવવામાં આવશે. સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 18.72 કરોડના જુદા-જુદા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં નાયબ કમિશનર એ.કે. વસ્તાણી તથા આસી. કમિશનર બી.જે. પંડયાની બદલી થતાં તેમને વિદાયાન આપવામાં આવ્યું હતું.