રાજકોટના કોઠારિયા રોડ પરના નીલકંઠ પાર્કમાં રહેતા 40 દિવસના માસુમ બાળકનું પોતાની માતાના પગ નીચે આવી જતા મૃત્યુ નીપજ્યું છે. માતાને શરદી થઇ હોવાથી તેણીએ રાત્રે શરદીની દવા પીધી હતી અને શરદીનો ચેપ પોતાના બાળકને લાગે નહી તેના માટે તેણીએ કમર નજીક બાળકને સુવ્ડાવ્યું હતું. પરંતુ રાત્રીના સમયે ઊંઘ આવી જતા પોતાના પગ નીચે તેનું બાળક આવી જતા બેભાન થયું હતું અને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા રવિભાઈને ત્યાં 40 દિવસ પૂર્વે જ પુત્રનો જન્મ થયો હતો. પુત્રના જન્મથી પરિવારમાં ખુશીનો માહોલ હતો. અને કાજલબેન પોતાના 40 દિવસના પુત્ર વેદ ને પોતાની આંખો સામે જ રાખતા હતા. પરંતુ છેલ્લા 2 દિવસથી કાજલબેનને શરદી થઇ હોવાથી રાત્રે તેઓએ શરદીની દવા પીધી અને વેદને તેનો ચેપ ન લાગે તે માટે પોતાનાથી થોડે દુર સુવડાવ્યો હતો. ગઈકાલે વહેલી સવારે રવિભાઈનું ધ્યાન જતા વેદ તેની માતા કાજલબેનના પગ નીચે દબાયેલો જોવા મળ્યો હતો, રવિભાઇએ તાકીદે પત્નીને ઉઠાડી પુત્રને બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ વેદનું મૃત્યુ નીપજ્યું હતું. એક ના એક વ્હાલસોયા પુત્રનું આ રીતે મૃત્યુ થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.