હાલ રાજ્યમાં વરસાદ ખેંચાયો છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી અઠવાડિયે રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થવાની સંભાવના છે. 17 ઓગસ્ટ બાદ ગુજરાતમાં મેઘરાજનું ફરી આગમન થાય તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં બની રહેલી વરસાદની નવી સિસ્ટમ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ, મધ્યપ્રદેશ થઇને 18મી ઓગષ્ટ બાદ ગુજરાત સુધી પહોંચે તેવી સંભાવના છે. 18 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી વરસાદની પુન: શરૂઆત થશે. જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે જેનાથી ખેડૂતોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે. આગામી એક અઠવાડિયા પછી ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ જામશે અને વરસાદનું કમબેક થશે. ઉપરતાં 18 ઓગસ્ટ પહેલાં પાંચ દિવસ વરસાદી ઝાપટા, જ્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડે તેવી હવામાને આગાહી કરી છે.
રાજ્યમાં વરસાદના લાંબા વિરામ વચ્ચે હવે હવામાન વિભાગે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી છે. છેલ્લા બે અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે, જેના લીધે લગભગ 46 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ વરસાદની ઘટ વર્તાઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધી માત્ર 254 ળળ જેટલો વરસાદ પડ્યો છે.