ડાઈનીંગ હોલ ચલાવતા પ્રૌઢ તેમના પરિવાર સાથે એક માસ પૂર્વે લાપત્તા થયા બાદ કર્ણાટકના બેંગ્લોરમાં ભાડાના મકાનમાં રહેતાં મળી આવતા જામનગર પોલીસે આ પરિવારને શોધી કાઢયો હતો અને કોરોના કાળ દરમિયાન 15 લાખનું દેણું થઇ જતાં ગામ છોડીને ચાલ્યો ગયો હોવાનું પરિવારે જણાવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગરના ગોકુલનગર રડાર રોડ પર બજરંગ ડાઇનિંગ હોલના સંચાલક અરવિંદભાઈ નિમાવત તેમના પત્ની શિલ્પાબેન પુત્ર કરણ, રણજીત તથા પુત્રી કિરણબેન નામના પાંચ સભ્યો એક માસ પૂર્વે શહેરમાંથી લાપત્તા થઈ ગયો હતો અને આ પરિવાર લાપત્તા થતાં અરવિંદભાઈના સાળા નરેન્દ્રભાઈ દ્વારા જામનગર પોલીસમાં ગુમ નોંધ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીઆઈ કે.એલ. ગાધે, એલસીબી પીએસઆઈ દેવમુરારી, હેકો મગનભાઈ ચંદ્રપાલ, પો.કો. હિતેશ મકવાણા, વિજય કારેણા અને એલસીબીના નિર્મળસિંહ તથા હેકો મગનભાઈ સહિતના સ્ટાફે જીણવટભરી તપાસ આરંભી હતી અને આ પરિવારે ટેકનિકલ ઉપકરણોના આધારે શોધખોળ હાથ ધરતાં કર્ણાટકના બેંગ્લોર બાયપાસ નજીક ક્રોસ રોડ પાસે ગીચ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહીને વેઈટરનું કામ કરતા હોવાનું જણાતા પોલીસ ટીમે બેંગ્લોર જઇ જામનગરના પરિવારને શોધી કાઢયો હતો.
અને પરિવારને શોધીને પૂછપરછ હાથ ધરતા અરવિંદભાઈ નિમાવત દ્વારા કોરોનાકાળ દરમિયાન હોટલનો વ્યવસાય બરાબર ચાલતો ન હોવાથી સગા-સંબંધીઓ અને નજીકના મિત્રો પાસેથી આશરે રૂા.15 લાખ જેટલી રકમ ઉછીની લીધી હતી. જે ચૂકવી શકતા ન હોવાથી આર્થિક સંકળામણ અનુભવતા પરિવારના પાંચેય સભ્યો શહેર મૂકીને કર્ણાટકમાં ચાલ્યા ગયા હોવાનું જણાવ્યું હતું.