કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચુકી છે ત્યારે જામનગર જિલ્લામાં વાયરસના સંક્રમણ પર નિયંત્રણ આવે તે માટે તંત્ર તથા જી.જી.હોસ્પિટલ દ્વારા લેવામાં આવેલ પગલાં તથા સારવાર માટે ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લાના કોવિડ નોડલ ડો. એસ.એસ.ચેટર્જી તથા જી.જી. હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ ડો. દિપક તિવારીએ જિલ્લા વહિવટી તંત્ર તથા જી.જી. હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને આયોજનોનો ચિતાર મંત્રી સમક્ષ રજૂ કર્યો હતો.
આ બેઠકમાં મંત્રીએ ઉપલબ્ધ બેડની વ્યવસ્થા, દર્દીઓની સંખ્યા, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ, ઓક્સિજન વાળા બેડની સંખ્યા, વેન્ટિલેટર, ઓક્સિજન ટેન્ક, બાઈપેપ મશીનની સુવિધા, ઉપલબ્ધ આવશ્યક દવાઓ તથા દવાઓનો અનામત જથ્થો, પોઝિટિવ બાળકો તથા સગર્ભા મહિલાઓ માટેની વ્યવસ્થા, જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી, કોવિડ ટેસ્ટિંગ, સહિતની બાબતોની જાણકારી મેળવી હતી અને ઉપસ્થિત પદાધિકારીઓ, અધિકારીઓ તથા ડોક્ટર્સના સૂચન તથા રજૂઆતો સાંભળી તે પરત્વે યોગ્ય પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા જરૂરિયાત મુજબની તમામ કાર્યવાહી સરકાર દ્વારા તાત્કાલિક હાથ ધરાશે. દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે, દર્દીના પરિજનોને ચિંતા ન રહે તેમજ વધુમાં વધુ માનવ જીવન બચાવી શકાય તે પ્રકારની કામગીરી હાથ ધરવા મંત્રીએ સૂચન કરી ભૂતકાળના અનુભવોને આધારે ભવિષ્યમાં જાગૃત રહી કોરોનાની લહેરને ફેલાય એ પહેલાં જ સમાપ્ત કરવા આહ્વાન કર્યું હતું.
આ બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, કોવિડ નોડલ એસ.એસ.ચેટર્જી, ડો. દિપક તિવારી, ડો.ધર્મેશ વસાવડા, ડો. પી.ભુવા, ડો. ભુપેન્દ્ર ગોસ્વામી, ડો. બિનીતા જોસેફ, ડો. દિપેશ પરમાર, ડો. સુમિત ઉનડકટ, ડો. મનીષ મહેતા, ડો. વિજય પોપટ, ડો.સુધીર મહેતા, ડો. અજય તન્ના, ડો. ધવલ તલસાણીયા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.