જામનગર શહેરમાં મયુરનગર આવાસ વિસ્તારમાં મહિલાને છેડતી કર્યાની શંકા રાખી મહિલાના પતિએ ઉશ્કેરાઈને દંપતી અને તેની પુત્રી તથા પૌત્રી ઉપર છરી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના મયુરનગર ત્રણ માળિયા આવાસમાં રહેતાં રજાક સાલીમામદ ભગાડ નામના માછીમારના પુત્રએ મહિલાની છેડતી કરી હોવાની શંકા રાખીને મહિલાના પતિ રાયમલ હાજી ધુધા નામના શખ્સે ગુરૂવારે રાત્રિના સમયે રજાકભાઈ અને તેમના પત્નિ સરીફાબેન પાર્કિંગમાં બેઠા હતાં તે દરમિયાન રાયમલે જઈને તમારો દિકરો કયાં છે ? તેણે મારી પત્નીની છેડતી કરી છે. જેથી માછીમારે મારો પુત્ર કયાં છે તે ખબર નથી. તેમ જવાબ આપતા ઉશ્કેરાયેલા રાયમલ ધુધાએ દંપતીને ગાળો આપી તિક્ષ્ણ હથિયારો વડે આધેડ ઉપર છરી વડે થાપાના ભાગે તથા તેની પત્નીને માથાના ભાગે ચારથી પાંચ છરકા માર્યા હતાં. તેમજ દંપતી ઉપર હુમલો કર્યા બાદ પણ રાયમલે દંપતીની પુત્રી સીરીનને કપાળના ભાગે છરીનો એક ઘા ઝીંકયો હતો. હુમલો કરનાર રાયમલે માનવતા નેવે મુકીને અઢી વર્ષની બાળકી મદીનાબાનુ ઉપર છરીનો ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી. શખ્સ દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા ચારેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બનાવની જાણ થતા પીએસઆઈ એમ.વી. દવે તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ રજાકભાઈ ભગાડ નામના આધેડના નિવેદનના આધારે રાયમલ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.