જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતી યુવતીને લાલપુર તાલુકાના માધુપુર ગામમાં રહેતો પિતરાઇ ભાઈ સાથે પ્રેમ થઈ જતાં પ્રેમીના ઘરે ભાગીને જતી રહી હતી અને બન્નેના પરિવારજનોને લગ્ન પસંદ ન હોવાથી પ્રેમી યુગલે સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવતીનું સારવાર દરમિયાન જામનગરની જી. જી. હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જ્યારે યુવાનને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતી વસંતબેન ઉર્ફે જાગુ વિરમભાઈ જેપાર (ઉ.વ.19) નામની યુવતીને લાલપુર તાલુકાના માધુપુર ગામમાં રહેતાં તેણીના પિતરાઇ ભાઇ બિજલ વાલાભાઈ જેપાર સાથે પ્રેમ થઈ ગયો હતો અને આ બન્ને પિતરાઇ ભાઈ-બહેન થતા હોવાથી બન્નેના લગ્ન શકય ન હોય જેથી યુવતી વસંતબેન તેના ઘરેથી ભાગીને માધુપુર તેના પ્રેમી બિજલના ઘરે જતી રહી હતી. દરમિયાન બિજલ અને વસંતબેન બન્ને ઘરેથી ભાગી ગયા હતાં અને બન્નેના પરિવારજનો પિતરાઇ ભાઈ-બહેન થતા હોય જેથી લગ્ન કરવા રાજી ન હતા. પ્રેમી યુગલના લગ્ન થઈ શકે તેમ ન હોવાથી બન્નેએ સજોડે મોત મીઠું કરવા શુક્રવારે સવારના સમયે માધુપુર ગામમાં સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવતી વસંતબેનનું મોત નિપજ્યું હતું. અને પ્રેમી બિજલ જેપાર બેશુદ્ધ થઈ ગયો હતો.
દરમિયાન પિતરાઇ ભાઇ-બહેનની શોધખોળ કરતા પરિવારજનોને માધુપુરમાં બન્ને મળી આવ્યા હતાં. આ અંગે યુવતીના પિતા વિરમભાઈ જેપાર દ્વારા જાણ કરાતા એએસઆઇ વી.પી. ઝાલા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે વસંતબેનના મૃતદેહને પીએમ માટે મોકલી તેણીના પ્રેમી બિજલને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બન્નેના પરિવારજનોને નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.