ગુજરાત સરકારે પણ લવ જેહાદ મામલે કાયદો બનાવવા માટેનું મન બનાવી લીધુ છે. હાલમાં રાજયમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે બજેટ સત્રના અંતિમ દિવસે રાજય સરકાર લવ જેહાદ મામલે બીલ રજુ કરી શકે છે. સૂત્રો અનુસાર, લવ જેહાદ બીલ માટે સરકારે પુરી તૈયારીઓ કરી લીધી છે. બજેટ સત્રના અંતિમ દિવસે સરકાર વિધાનસભા ગૃહમાં બીલ રજુ કરશે. આ બીલમાં લવ જેહાદ મામલે કડક સજા અને દંડની જોગવાઈ કરવામાં આવશે, તથા ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભા ગૃહમાં બિલ રજૂહોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લવ જેહાદ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને રૂ. 2 લાખ કરતાં ઓછો નહિ એટલા દંડની સજાની જોગવાઈ હશે. આ સિવાય અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદ અને રૂ. 3 લાખથી ઓછો નહિ એટલો દંડ થશે. ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ થશે. લવ જેહાદ મામલામાં ગુનાની તપાસ જીલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી કરશે, તથા સંસ્થા – સંગઠનોના સંચાલક સામે 3થી 10 વર્ષની સજા અને રૂ. 5 લાખનો દંડ થશે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.
સરકાર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારા કરીને પ્રલોભન, બળજબરી, ગેરરજૂઆત અથવા બીજા કોઈ કપટયુકત સાધન મારફત ધર્મ પરિવર્તન કરાયું હોવાનું જણાશે તો તેવા કિસ્સામાં દંડ અને સજાની જોગવાઈ વધુ આકરી બનાવવામાં આવશે. આ ઉપરાંત જો આ પ્રકારનો ગુનો સગીર અથવા અનુસૂચિત જાતિ-આદિ જાતિની વ્યકિતના કિસ્સામાં બન્યું હશે તો 4 વર્ષથી 7 વર્ષ સુધીની સજા અને 3 લાખથી ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે. લવજેહાદના કિસ્સામાં કેટલીક વ્યકિતઓ ગુનો કરવામાં મદદગારી કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પગલા લેવામાં આવશે કેટલાક કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો પણ બનશે. આ સાથે જ સરકારે આ કાયદા હેઠળ આરોપીના માથે પૂરાવા રજૂ કરવાના ભારને નાખ્યો છે. એટલે કે જેમના પર જબરજસ્તીથી ધર્માંતરણનો આરોપ લાગ્યો છે તેમણે આ કાયદા હેઠળ પોતાની નિર્દોષતાના પૂરાવા રજૂ કરવા સાથે સાબિત કરવું પડશે કે ધર્માંતરણ કોઈ ધાક ધમકી કે લાલચ કે પછી છેતરીના કરવામં આવેલા લગ્નના આધારે નથી થયું પરંતુ વ્યકિતની પોતાની સ્વતંત્ર ઇચ્છાથી થયું છે. તેમજ જયાં આ પ્રકારે ધર્માંતરણ થયું હોય તે સંસ્થા, વ્યકિત દ્વારા આ પૂરાવા રજૂ કરવા પડશે.
આ કાયદા મુજબ ફરિયાદ લવ જેહાદનો ભોગ બનેલી વ્યકિત અથવા વ્યકિત કે જેનું જબરજસ્તી, ધાક ધમકી કે લાલચ આપીને ધર્માંતરણ કરવામાં આવ્યું હોય તેની સાથે લોહીના સંબંધ ધરાવતા સગા સંબંધીઓ આ અંગે ફરિયાદ કરી શકશે. તેમજ ગેર જમાનતી ગુનાની આ ફરિયાદની તપાસ ડીવાયએસપી રેંકના અધિકારી દ્વારા કરવામાં આવશે.