દેવભૂમિ દ્વારકામાં જલારામ સોસાયટી વિસ્તારમાં આવેલા જલારામ એપાર્ટમેન્ટમાં એક અજાણ્યો શખ્સ એક યુવતી સાથે રહેતો હોવાની અને આ અંગેની જાણ સ્થાનિક પોલીસને ન કરવામાં આવી હોવાની બાતમી જિલ્લા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફને મળતા આ અંગેની તપાસ કરવા પોલીસ સ્ટાફ ઉપરોક્ત સ્થળે દોડી ગયો હતો અને આ ફ્લેટમાં એક યુવક તથા તેની સાથે એક સ્ત્રી (છોકરી) હોવાનું જણાયુ હતું. જે સંદર્ભ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા આ બંનેની પૂછપરછમાં વધુ શંકા જતા યુવાનની આગવી ઢબે કરાયેલી પૂછપરછમાં આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય અને સાથેની છોકરીની ઉંમર લગ્ન લાયક ન હોવાથી આ શખ્સ તેણીના ઘરેથી કોઈને કંઈ જાણ કહ્યા વગર ભગાડીને લઈ આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું.
જેથી મહિલા પોલીસને સાથે રાખી, બંનેની અટકાયત કરતા કરી વધુ તપાસમાં ધોલેરા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધાયો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું ધ્યાને હતું.
આ પ્રકરણમાં પોલીસે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેખ પીપળીયા ગામે રહેતા અને દરજી કામકરતા હસમુખ દલપતભાઈ પ્રજાપતિ નામના 27 વર્ષના યુવાનની અટકાયત કરી હતી અને ભોગ બનનાર સગીરાનો કબ્જો ધંધુકા સર્કલ પોલીસ ઈન્સ્પેકટરને સોંપવામાં આવ્યો હતો.
આ પ્રકરણમાં મકાનમાલિક ચિરાગ મોહનભાઈ બારાઈએ પોતાનો ફ્લેટ ભાડે આપી, આ અંગેની નોંધ પોલીસમાં ન કરાવતા આ શખ્સ સામે પણ જાહેરનામા ભંગની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.