જામનગર શહેરમાં ગણપતિ મહોત્સવ દરમિયાન બનાવવામાં આવેલા બે મૂર્તિ વિસર્જન કુંડ માટે રૂા. 41 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે શહેરમાં જુદા જુદા કામો માટે કુલ 96 લાખના ખર્ચને સ્થાયી સમિતિએ બહાલી આપી છે.
ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં ગણેશ ઉત્સવ દરમિયાન શહેરમાં બે જગ્યાએ બનાવવામાં આવેલા મૂર્તિ વિસર્જન કુંડના નિર્માણ તથા તેના મેઇટેન્સ માટે 40.88 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ દરમિયાન જામ્યુકો દ્વારા આયોજિત જુદા જુદા કાર્યક્રમોની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે 5.50 લાખનો વાર્ષિક રેઇટ કોન્ટ્રેકટ ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે જુદા જુદા વોર્ડમાં સિમેન્ટ રોડ મરામત, મોરમ પાથરવી, બિલ્ડીંગ મરામત, પેચવર્ક વગેરે મળી કુલ રૂા. 95.88 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. સ્થાયી સમિતિની બેઠકમાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલા કિરીટસિંહ ચાવડા તથા નારણભાઇ ડાભી નામના બંને કર્મચારીઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં મેયર વિનોદ ખિમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, ડે.કમિશનર ભાવેશ જાની, આસિ. કમિશનર કોમલબેન પટેલ તેમજ જિજ્ઞેશ નિર્મલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.