તાજેતરમાં ગુજરાતમાં થયેલાં એક સર્વેમાં એવું જણાયું હતું કે, ફી ના કારણે કેટલાંક બાળકો શિક્ષણથી વંચિત રહ્યા હતાં. આ મામલા અંગે હાઇકોર્ટે ઉપરોકત કોમેન્ટ કરી હતી અને સરકારને આ બાબતે યોગ્ય કરવા નિર્દેશ આપ્યા છે.
ગુજરાતની વડી અદાલતે ગઇકાલે મંગળવારે એક સુઓમોટુ અરજીના સંદર્ભમાં કહ્યું છે કે, બાળકના શિક્ષણ મુદ્દે કોઇપણ પ્રકારની બાંધછોડ ન ચલાવી લેવાય. ફી નો મુદ્દો બાળકના શિક્ષણને અસર કરે તે યોગ્ય બાબત નથી.
ગુજરાતમાં થોડા સમય પહેલાં આઇઆઇએમ-અમદાવાદ તથા યુનિસેફ દ્વારા એક સર્વે થયો હતો. સર્વેની વિગતો મુજબ, લોકડાઉન અને તે પછીના તબકકાઓમાં કેટલાંક બાળકો ફી ન ભરી શકવાને કારણે શિક્ષણથી વંચિત રહ્યા હતાં. અદાલતે આ બાબતે થયેલી જાહેરહિતની એક સુઓમોટુ અરજી ડિસ્પોઝકરી છે અને રાજય સરકારને નિર્દેશ આપ્યો છે જે કિસ્સાઓમાં ફી ન ભરી શકવાને કારણે કોઇ બાળક શિક્ષણથી વંચિત રહેતું હોય તેવા કિસ્સામાં સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ. ફી ના કારણે કોઇ બાળકના શિક્ષણ પર અસર પડે તે યોગ્ય બાબત નથી.શિક્ષણ મુદ્દે કોઇપણ પ્રકારની બાંધછોડ ન થઇ શકે. એવી કોમેન્ટ હાઇકોર્ટ દ્વારા આ અરજી સંબંધે ગઇકાલે મંગળવારે કરવામાં આવી હતી.