જામનગર શહેરમાં ગુલાબનગર નજીક આવેલા સુભાષપાર્ક વિસ્તારમાં રહેતા યુવાને તેની પત્ની રિસામણે ચાલી જતા મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અજાણ્યા વૃધ્ધનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગર નજીક આવેલા સુભાષપાર્ક વિસ્તારમાં રહેતા મહેન્દ્ર લાખાભાઈ પરમાર (ઉ.વ.42) નામના યુવાનને તેની પત્ની સાથે કોઈપણ બાબતે બોલાચાલી થવાથી તેની પત્ની રીસામણે ચાલી ગઈ હતી. જે બાબતનું મનમાં લાગી આવતા મહેન્દ્રએ સોમવારે વહેલી પરોઢીયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ મહેશ દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.કે. ગુસાઈ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આવેલા એમ.એમ.-2 વોર્ડમાં સારવાર લઈ રહેલા આશરે 70 વર્ષના અજાણ્યા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગેની વિક્રમસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. મૃતકે સફેદ અને કાળો ચેકસવાળો શર્ટ તથા કથાઈ કલરનું પેન્ટ પહેરેલ હતું અને મૃતકને સફેદ વાળ-દાઢી હતા અને મધ્યમ બાંધાના શ્યામવર્ણ ધરાવતા 5 ફૂટ 5 ઈંચ હાઈટવાળા વૃધ્ધ અંગેની કોઇપણ જાણકારી હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.