જામનગર તાલુકાના સિક્કા નાગણી સરમતમાં ફિશરીઝ કોલોનીમાં રહેતી મહિલાને તેણીના પતિ સાથે છ વર્ષથી અણબનાવ ચાલતો હતો. દરમ્યાન મંગળવારે સવારના સમયે મહિલા તેણીના ઘરે સૂતી હતી ત્યારે પતિએ ઘરમાં ઘુસી પત્ની ઉપર છરીના આડેધડ પાંચ થી છ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે પતિ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હત્યાના પ્રયાસના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સિક્કા ગામમાં નાગણી સરમત વિસ્તારમાં ફિશરીઝ કોલોનીમાં રહેતી સખીનાબેન ગજણ (ઉ.વ.40) નામની મહિલાને તેણીના પતિ દાઉદ આદમ ગજણ સાથે છ વર્ષથી અણબનાવ ચાલતો હતો. દરમ્યાન મંગળવારે સવારે સખીનાબેન તેના ઘરે સૂતા હતા ત્યારે પતિ દાઉદ આદમ ગજણે ઘરમાં આવીને પત્નીના પેટના ભાગે આડેધડ છરીના પાંચ ઘા ઝીંક્યા હતા તેમજ હાથમાં અને ખંભા ઉપર છરીના ત્રણ ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. પતિ દ્વારા કરાયેલા જીવલેણ હુમલામાં ઘવાયેલી પત્ની સખીનાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઇ વી.કે.ગઢવી તથા સ્ટાફે ઇજાગ્રસ્ત સખીનાબેનના નિવેદનના આધારે તેણીના પતિ દાઉદ અદમ ગજણ વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.