જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9 માં આવેલા એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલા મહિલા એટીએમ કાર્ડ અને રોકડ રકમ ભૂલીને જતાં રહેતાં પોલીસે રોકડ રકમ અને કાર્ડ મહિલાને સોંપી આપ્યા હતાં. આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9 માં આવેલા એટીએમ મશીનમાં ગીરીરાજસિંહ અમરસિંહ જાડેજા નામનો યુવાન ગુરૂવારે પૈસા ઉપાડવા ગયો હતો તે દરમિયાન એટીએમ મશીન પાસે એક કાર્ડ અને રૂા.30,500 ની રોકડ રકમ કોઇ ભુલીને જતું રહયું હતું. જેથી યુવાને ઈમાનદારી દાખવી રોકડ અંગેની જાણ સીટી બી ડીવીઝન માં કરી હતી. જેના આધારે પોલીસે એટીઅમે કાર્ડ ધારક જીજ્ઞાબેન દીવ્યેશભાઈ દેસાઈ નામના મહિલાને જાણ કરી અને મધ્યસ્થી રહી યુવાન દ્વારા રોકડ અને એટીએમ કાર્ડ મહિલાને પરત સોંપ્યું હતું. જેથી મહિલાએ પોલીસ અને યુવાનનો આભાર વ્યકત કર્યો હતો.