દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં ફરીથી મોટો ઉછાળો આવ્યો છે. કોરોનાવાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દરરોજ રેકોર્ડ તોડી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 35 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જે વર્ષ 2021ના અત્યાર સુધીના નોંધાયેલા કેસો પૈકી સૌથી વધુ કેસ છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, કોરોનાના નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા એક કરોડ 14 લાખ 74 હજાર 605 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, કોરોના વાયરસના 35,871 નવા કેસ નોંધાયા છે, જ્યારે 171 લોકોનાં મોત નીપજ્યાં છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં 2 લાખ 52 હજાર 364 સક્રિય કેસ છે. દેશમાં મૃતકોની સંખ્યા વધીને 1 લાખ 59 હજાર 216 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 10,63,379 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1122 કેસ નોંધાયા છે. જે 2021ના સૌથી વધુ કેસ છે. કોરોનાના વધી રહેલા કેસોના પરિણામે ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ,સુરત,વડોદરા, રાજકોટમાં રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યું લગાવવામાં આવ્યું છે. તો સુરતમાં બાગ,બગીચા, બસસેવા, શાળાઓ, ટ્યુશન ક્લાસ બધું બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે અમદવાદમાં પણ બગીચાઓ અને એએમટીએસ અને બીઆરટીએસની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. અંતે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના પ્રવેશ્યાને આજે એક વર્ષ પૂર્ણ થઇ ચુકયુ છે. પ્રથમ કેસ 19 માર્ચ 2020ના રોજ નોંધાયો હતો.