ગોધરામાં પી.કે.ચારણ નામના એક વ્યક્તિએ પોતાના વિસ્તારની સ્થાનિક સમસ્યાઓના નિકાલ માટે ગોધરાના MLA સી.કે.રાઉલને ફોન કરી ધમકી આપી હતી. જેને પગલે SDMએ તેને આસપાસના જિલ્લા અને શહેરમાંથી તડીપાર કર્યો હતો. આ મામલે હાઈકોર્ટે કહ્યું કે, SDM મનમાની કરી શકે નહીં, દેશમાં લોકશાહી છે.
પી.કે. ચારણ નામના આ શખ્સે MLAને ધમકી આપી હતી કે, અમારા મતોથી તમે ચૂંટણી જીતો છો. અમે જે કામો કહીએ તે કામો થવા જોઇએ, નહીંતર તમને અમારા ગામમાંથી નીકળવા દઇશું નહીં, ક્યારેક પતાવી દઇશું. આ ઉપરાંત અપશબ્દો બોલીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
આ ધમકીને પગલે MLAના દીકરા માલવદીપસિંહ ચંદ્રસિંહ રાઉલે ધમકી આપનારા શખ્સ પી.કે. ચારણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને લઈને જ્યારે મામલો ત્યાંના SDM પાસે પહોંચ્યો ત્યારે તેમણે આ વ્યક્તિને 2 વર્ષ માટે પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા શહેર અને ગ્રામ્ય, આણંદ અને ખેડા જિલ્લામાંથી તડીપાર કર્યો. જેથી પી.કે.ચારણે ન્યાય મેળવવા માટે હાઇકોર્ટેના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે સોમવારે હાઈકોર્ટે સુનાવણી કરી હતી. જેમાં અરજદારની રજુઆત બાદ હાઇકોર્ટે કહ્યું કે આ ચલાવી ન લેવાય. આ દેશમાં લોકશાહી છે. આ રીતે SDM મનમાની ન કરી શકે. શું સામાન્ય નાગરિકને તેના જન પ્રતિનિધિને પોતાના વિસ્તારની સમસ્યા વિશે પૂછવાનો અધિકાર નથી?
હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, આપણે રજવાડા નથી ચલાવવાના. આ SDMની દાદાગીરી સહન ન કરી લેવાય તેને બદલવો જ પડે. સાથે પોલીસ તંત્ર પણ સંપૂર્ણપણે ઘૂંટણીયે પડી ગયું છે. લોકોને પ્રશ્ર્ન પૂછવાનો પણ હક્ક નથી. શું આ લોકશાહી છે. આ તો કેવી વિચિત્ર ઘટના કહેવાય ધારાસભ્યને પ્રશ્ર્ન પૂછે તો તેની સામે FIR? ધારાસભ્યએ આ બાબતે જવાબ આપવો પડશે કે આ કર્યું એ બરાબર છે અથવા આ તેને પ્રજાની વાત સાંભળવાની જવાબદારી છે તે કહેવું પડશે.
આ અંગે અરજદારના એડવોકેટ નિધિ બારોટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ અરજદાર વિરુદ્ધ અગાઉ 2 ફરિયાદ થયેલી છે અને આ ફોન પર ધારાસભ્યને પૂછતાં તેના વિરુદ્ધ ધાકધમકીની ફરિયાદ છે, જેમાં ગોધરાના SDMએ અરજદારને આ 3 ફરિયાદના આધારે વિસ્તારમાંથી 2 વર્ષ તડીપાર કર્યા છે, જેથી કોર્ટે કહ્યું કે આ દેશમાં લોકશાહી છે. આ રીતે SDM મનમાની ન કરી શકે.
એક નાગરિકે એવી ફરિયાદ કરી હતી કે ધારાસભ્ય લોકોના કામ કેમ કરતા નથી? આ ફરિયાદ સમયે બોલાચાલી થઇ હતી. આ મુદ્દાને મેરિટ પ્રમાણે જોવા જઇએ તો એક નાગરિકે વ્યકત કરેલા અસંતોષના પરિણામે સદરહુ ધારાસભ્યના દિકરાની લેખિત ફરિયાદ પરથી આ નાગરિક સામે એફઆઇઆર નોંધવામાં આવી અને નાયબ કલેકટર પોતાને મળેલી સત્તાની ઉપરવટ જઇને ધારાસભ્યના દિકરાને મહેરબાન થઇ ગયા. નાયબ કલેકટરે આ નાગરિકને તડીપારનો હુકમ કર્યો હતો. નાગરિકોના સ્થાનિક ધારાસભ્યો સામેના અસંતોષને આ રીતે તોળવામાં આવતો હોય તો નાગરિકોને સંરક્ષણની જરૂર પડે તેમા નવાઇ નથી. કોર્ટ ધારાસભ્યને પણ એવો સવાલ પુછે છે કે શું તેઓ આ પ્રકારના હુકમને સમર્થન આપે છે?
ગુજરાત પોલિસ એક્ટ,1951ની કલમ 56(બી) હેઠળ નાયબ કલેકટરે કરેલા હુકમ પર હાઇકોર્ટે મનાઇ હુકમ ફરમાવી દીધો છે. સી.કે રાઓલ અને નાયબ કલેકટરને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.