કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઇ છે, પદયાત્રા કરીને ભારત સાથે કોંગ્રેસને પણ જોડવાનો પ્રયાસ કરી રહેલાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના આ પ્રયાસને રાજસ્થાને જબરદસ્ત ફટકો પહોંચાડયો છે. સચિન પાયલોટને મુખ્યમંત્રી બનતા અટકાવવા માટે અશોક ગેહલોતે ખેલેલે દાવથી રાજસ્થાન કોંગ્રેસ ગોટે ચઢી છે. કોંગ્રેસ અધ્યક્ષપદની દાવેદારી કરનાર અશોક ગેહલોતને રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ છોડવું પડે તેમ હોય તેમણે આ પદ પર સચિન પાયલોટ ન બેસી જાય તે માટે પોતાના સમર્થક ધારાસભ્યો મારફત ગઇકાલે મોટો દાવ ખેલ્યો હતો. ગેહલોતના આ દાવથી કોંગ્રેસ હાઇકમાન્ડ પણ નારાજ થયું છે. બીજી તરફ કાંઠે બેસીને તમાશો જોઇ રહેલાં ભાજપના નેતાઓને રાજસ્થાની કોંગ્રેસની સ્થિતિ અંગે ભારે ટીખળી કરવાનો મોકો મળી ગયો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની હીલચાલમાં પાર્ટીને નવા સંકટનો સામનો કરવો પડ્યો છે. ગેહલોતના વિકલ્પમાં સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવાના વિરોધમાં ગેહલોત જૂથ આડુ ફાટ્યું છે. 92 ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા કોંગ્રેસ હાઈકમાન્ડ ચોંકી ગયું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા પૂર્વે જ ગેહલોતે પરચો દેખાડતા અને ધારાસભ્યોએ નિરીક્ષકોને મળવાની પણ ના પાડી દેતા નેતાગીરી સ્તબ્ધ બની છે.
ગેહલોત અને સચિન પાયલોટને તાબડતોબ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. રાજસ્થાન કોંગ્રેસમાં રાતોરાત સંકટ ઘેરાવાની હાલત સર્જાઈ છે. અશોક ગેહલોતને કોંગ્રેસના રાષ્ટ્રીય સુકાની બનાવવાનું પાર્ટીએ નક્કી કરી લીધું જ છે તેવા સમયે રાજ્યના મુખ્યમંત્રી અન્ય નેતાને બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નવા મુખ્યમંત્રી તરીકે ગેહલોતના કટ્ટર હરિફ સચિન પાયલોટનું નામ ઉપસતાની સાથે જ ગેહલોત જૂથ વિફર્યુ હતું. અશોક ગેહલોતની નજીકના 92 ધારાસભ્યોએ પ્રદેશ પ્રમુખને રાજીનામા સોંપી દીધા હતા અને આખી રાત અભૂતપૂર્વ રાજકીય ઘટનાક્રમ ચાલ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને પારખી કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મલ્લીકાર્જુન ખડગે તથા અજય માકન જેવા સિનિયર નેતાઓને નિરીક્ષક તરીકે રાજસ્થાન દોડાવ્યા હતા પરંતુ નારાજ ધારાસભ્યોએ નિરીક્ષકોને મળવાનો પણ ઇન્કાર કરી દેતા વર્તમાન પ્રમુખ સોનિયા ગાંધી નારાજ થયા છે.