ચૂંટણીઓ નજીક આવતાં જ રાજય સરકાર લોકોની નારાજગી દુર કરવા માટે સક્રિય બની છે. ખાસ કરીને સરકારી કર્મચારીઓની પડતર પ્રશ્ર્નો ઉકેલવા માટે ઝડપભેર નિર્ણયો કરવામાં આવી રહયા છે. જેથી કર્મચારીઓની નારાજગી વહોરવી ન પડે આ માટે રચાયેલી પાંચ મંત્રીઓની સમિતિ દ્વારા ગઇકાલે આશાવર્કર બહેનો અને પંચાયતના આરોગ્ય કર્મચારીઓ સાથે વાતચીત કરી બન્ને વિભાગના કર્મચારીઓની આંશિક માંગણીઓ સંતોષી લેતાં હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે. બબ્બે-બબ્બે હડતાળો એક સાથે પાછી ખેંચાઇ જતાં રાજય સરકારે થોડો રાહતનો દમ લીધો છે.
રાજ્ય સરકાર સાથે સમાધાનને પગલે આશા કાર્યકર બહેનોની હડતાળ પાછી ખેંચાઈ છે. ભથ્થા વધારા અંગે સરકારે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલતી હડતાળ પાછી ખેંચી લેવાનો નિર્ણય તેમના એસોસીએશન કરવામાં આવ્યો છે, જેથી તમામ કર્મીઓ તુરંત અને ત્વરિત ધોરણે તેમની સેવાઓમાં જોડાઈ જશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં કેબિનેટ બેઠક યોજાઈ ગયા બાદ પત્રકારોને આ વિષે માહિતી આપતા તેમણે જણાવ્યુ હતું કે, તેમણે સરકારે રચેલી મંત્રીઓની કમિટી સાથે બેઠક થયા બાદ કર્મચારીઓ તરફથી આ સુખદ નિર્ણય લેવામાં આવ્યો હતો. વાટાઘાટ માટે રચાયેલી મંત્રીઓની સમિતિમાં હર્ષભાઈ સંધવી, જીતુભાઈ વાઘાણી, કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, બ્રિજેશ મેરજા અને નિમિષાબેન સુથારનો સમાવેશ થાય છે. પ્રવકતા મંત્રી વાઘાણીએ ઉમેર્યું હતું કે, આ ફળદાયી રહેલી બેઠકમાં કર્મચારીઓની મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવી છે. જ્યારે કેટલાક અન્ય મુદ્દાઓ ઉપર આગામી એક માસમાં યોગ્ય નિર્ણય લેવાશે એવી સહમતિ થઈ છે.
આશા કાર્યકર બહેનોએ પણ પોતાની હડતાલ પાછી ખેંચી લીધો હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આશા બહેનો દ્વારા જે માંગણીઓ કરાઈ છે જેમાં મુખ્યત્વે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા રૂપિયા 3000 માસિક ભથ્થું અપાય છે એમાં રૂપિયા 2000 નો વધારો કરી આપવા માટે કમિટી એ હકારાત્મક અભિગમ દાખવ્યો છે.


