દેશની ટોચની કંપનીઓ દ્વારા વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એડવાન્સ ટેકસની ચૂકવણીમાં નોંધપાત્ર વધારો થયો છે. ટોચની વીસ કંપનીઓ દ્વારા 15 સપ્ટેમ્બર સુધીમાં ચૂકવાયેલા એડવાન્સ ટેકસની રકમમાં 47 ટકા વધારો થયો છે. બેન્કો, આઈટી તથા એફએમસીજી ક્ષેત્રની કંપનીઓને કોરોનાની બીજી લહેરની અસર ખાસ જોવા મળી નથી.
ગયા નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ટોચની વીસ કંપનીઓ દ્વારા એડવાન્સ ટેકસની ચૂકવણીનો આંક રૂપિયા 18462 કરોડ રહ્યો હતો જે આ વર્ષે રૂપિયા 27210 કરોડ રહ્યો છે, એમ નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
જે કંપનીઓ દ્વારા એડવાન્સ ટેકસની ચૂકવણીમાં વધારો થયો છે, તેમાં ટાટા સ્ટીલ, ઓએનજીસી, પીએનબી, પીએન્ડજી, કેનેરા બેન્ક, હીરો મોટોકોર્પ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટીસીએસ, એસબીઆઈ તથા એલઆઈસીનો સમાવેશ થાય છે.
ટાટા સ્ટીલ દ્વારા રૂપિયા 4000 કરોડ, ઓએનજીસી દ્વાર રૂપિયા 2250 કરોડ, પીએનબી દ્વારા રૂપિયા 313 કરોડ, કેનેરા બેન્ક દ્વારા રૂપિયા 850 કરોડ, એસબીઆઈ દ્વારા રૂપિયા 3834 કરોડ તથા એલઆઈસીએ રૂપિયા 3171 કરોડનો એડવાન્સ ટેકસ ચૂકવ્યાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
પ્રથમ ત્રિમાસિક ગાળામાં એડવાન્સ ટેકસની ચૂકવણીનો ઊંચો આંક ગયા વર્ષના આ ગાળામાં નીચા સ્તરે આભારે રહ્યો હતો પરંતુ બીજા ત્રિમાસિક ગાળામાં એડવાન્સ ટેકસના ઊંચા આંક આ કંપનીઓની આવક પર કોરોનાની બીજી લહેરની પ્રતિકૂળ અસર પડી નહીં હોવાનું સૂચવે છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
જો કે ટેલિકોમ તથા ઉડ્ડયન ક્ષેત્રની કંપનીઓ દ્વારા એડવાન્સ ટેકસની ચૂકવણી છેલ્લા કેટલાક ત્રિમાસિકથી સતત શૂન્ય રહ્યા કરે છે. લોકડાઉનમાં છૂટ તથા અગાઉની બાકી પડેલી માગ નીકળતા ઓટો તથા એફએમસીજી ક્ષેત્રની કંપનીઓની આવકમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે.