રાજયના શહેરી વિસ્તારોમાં પશુપાલકોના ઘુટણીએ પડી ગયેલી સરકારને ગુજરાત હાઇકોર્ટે વધુ એક વખત સખ્ત ફટકાર લગાવ્યા બાદ આ મુદ્ે દિશા શુન્ય બની ગયેલી સરકારે ચિત્ર-વિચિત્ર નિર્ણયો લેવાનું શરૂ કર્યું હોય તેમ જણાય રહ્યું છે. રાજય સરકારના પ્રવકતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે જાહેર કરેલ સરકારના નિર્ણય મુજબ પશુપાલકો હવે પોતાના ઢોર મહાપાલિકા કે નગરપાલિકાના ઢોરવાડામાં રાખી શકશે.આવા ઢોરની દેખભાળ સરકારના ખર્ચે કરવામાં આવશે. હાઇકોર્ટની સખ્ત ચેતવણી બાદ સરકારે ઉતાવળીયા આ નિર્ણય લીધો હોય તેમ જણાય રહ્યું છે. કેમ કે, શહેરી વિસ્તારમાં સરકારની આ જાહેરાતની અમલવારી પ્રેકટીકલ હોય તેમ જણાતું નથી. પશુપાલકો પોતાના ઢોર ઢોરવાડામાં મુકવા જાય તે પણ ગળે ઉતરે તેવું નથી. જામનગર સહિત મોટા ભાગના શહેરોમાં ઢોરવાડા શહેરથી 8-10 કિમી. દુર બનાવવામાં આવ્યા છે. તેમજ રઝળતાં ઢોરની સંખ્યા સામે આ ઢોરવાડાની ક્ષમતા પણ પર્યાપ્ત નથી. તેમજ જે ઢોરવાડા ઉપલબ્ધ છે તે પણ ઢોરથી ખીચો-ખીચ ભરેલાં છે. શું આ સ્થિતિમાં અહી વધુ ઢોરને સમાવી શકાશે..? અલબત સરકારે નવા ઢોરવાડા ખોલવાને પણ મંજૂરી આપી છે. તો શું શહેરમાં વસતા પશુપાલકો પોતાના દુધાળા ઢોરને 8-10 કિમી. દુર સરકારી ઢોરવાડામાં મુકવા જશે. માની લ્યો કે, પશુપાલકો ત્યાં ઢોરને મુકી પણ આવે તો શું બે ટાઇમ દુધ દોહવા માટે ત્યાં જશે..? ના આ બાબત પ્રેકટીકલ જણાતી નથી. હાલમાં પણ જયારે પણ મહાપાલિકાની ઢોર પકડ ટુકડી રઝડતાં ઢોરને પકડવા આવે છે કે, પકડીને લઇ જાય છે ત્યારે પશુ માલિકો બોલાચાલી અને કોઇ વખતે તો મારામારીમાં ઉતરી આવે છે. ઉપરાંત દરેક પશુઓનું ટેગીંગ પણ કરવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં ઢોરવાડામાં જો કોઇ પશુને મુકવામાં આવે તો બાદમાં તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની જાય. રઝળતા ઢોર મુદ્દે કોઇ કાયમી કે લાંબાગાળાનું સમાધાન શોધવાને બદલે હાઇકોર્ટના પ્રકોપથી બચવા રાજ્ય સરકારે આ હંગામી નિર્ણય કર્યો હોવાનું લાગી રહ્યું છે. થાગડ-થિગડ કરીને ઢોર મુદ્દે બનાવવામાં આવેલાં સખ્ત કાનુનને મંજૂરી આપવામાં ઢીલાશ કરવામાં આવી રહી છે.