વિપક્ષ પેગાસસ મુદ્દે હંગામો મચાવી રહ્યુ છે અને બંનેમાંથી એકપણ ગૃહને ચાલવા દેતું નથી ત્યારે કેન્દ્ર સરકારે નવી વ્યૂહરચના અપનાવી છે. તેણે વિપક્ષ ચર્ચા ન કરે તો પણ મહત્ત્વના બિલ તેની બહુમતીના જોરે પાસ કરવા માંડયા છે. સંસદ સત્રના પખવાડિયા દરમ્યાન સરકારે અડધો ડઝન જેટલા બિલ પાસ કરાવી લીધા છે. ગઇકાલે પણ ત્રણ મહત્વના બિ,લ વગર ચર્ચાએ બહુમતિથી પાસ થઇ ગયા હતા.
વિપક્ષ સંયુક્ત રીતે પેગાસસ મુદ્દે સંસદને ચાલવા દઈ રહ્યું નથી અને સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં જોઈએ તેવી કાર્યવાહી જ થઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ નવ દિવસમાં લોકસભા ફક્ત 12 ટકા જ રચનાત્મક રહી છે અને છ કલાક અને 35 મિનિટ જ ચાલી શકી છે. બીજી બાજુ રાજ્યસભાની વાત કરીએ તો તેમા 20મી જુલાઈના રોજ કોવિડ-19 પર છ કલાકથી વધારે ચર્ચા થઈ હતી. રાજ્યસભાના બાકીના દિવસ વિપક્ષના શોરબકોરના લીધે બગડયા હતા. રાજ્યસભા ફક્ત 23 ટકા જ પ્રોડક્ટિવ રહી છે અને તેમા શોરબકોર વચ્ચે ત્રણ બિલ ચર્ચા વગર પસાર થઈ ગયા છે.લોકસભામાં ધ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ફૂડ ટેકનોલોજી આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ બિલ 2021, ધ ફેક્ટરિંગ રેગ્યુલેશન (અમેન્ડમેન્ટ) બિલ 2021 , ધ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (અમેન્ડમેન્ટ) બિલ 2021, ધ એપ્રોપ્રિયેશન (નંબર-3) 2021, ધ એપ્રોપ્રિયેશન (નંબર-4) 2021, ધ એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (અમેન્ડમેન્ટ) બિલ 2021, ધ ઇનસ્ન્ડ વેસલ્સ બિલ 2021, વિપક્ષના શોરબકોર વચ્ચે ચર્ચા વગર જ પસાર કરી દેવાયા હતા.
સરકારે તેની બહુમતીનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આ રીતે રાજ્યસભામાં ફેક્ટરિંગ (અમેન્ડમેન્ટ) રેગ્યુલેશન બિલ 2020, મરીન એઇડ્સ ટુ નેવિગેશન બિલ 2021, જુવેનાઇલ જસ્ટિસ (અમેન્ડમેન્ટ) બિલ 2021 પસાર કરવામાં આવ્યા હતા. સરકારે ચોમાસુ સત્ર દરમિયાન 30 બિલોને પસાર કરવાની યોજના બનાવી છે. તેમા 30માંથી 17 બિલ નવા હશે. જ્યારે 13 બિલ સંશોધન માટે લાવવામાં આવશે.
સંસદમાં હોબાળા વચ્ચે સરકારે પોતાનું કામ કરી લીધું
ચર્ચા વગર જ સરકારે અડધો ડઝન બિલ પાસ કરાવી લીધા