જોડિયા તાલુકાના આણંદા ગામમાં માવતરે રોકાવા આવેલી યુવતીએ અગમ્યકારણોસર ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં શ્રમિક યુવાનને તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના સગાડિયા ગામમાં રહેતાં જલ્પાબેન ભૂપતભાઈ બાંભવા (ઉ.વ.23) નામની પરિણીત યુવતી તેણીના માવતરે જોડિયા તાલુકાના આણંદા ગામમાં રોકાવા આવી હતી. તે દરમિયાન સોમવારે સાંજના સમયે અગમ્યકારણોસર ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં યુવતીને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે કિશનભાઈ ઝાપડા દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.ડી.ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારણ જાણવા તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ શેરી નં. 4 માં રહેતા અશોકભાઈ હસમુખભાઈ મકવાણા (ઉ.વ.45) નામના મજૂરી કામ કરતા યુવાનને ગત તા.12 ના રોજ સાંજના સમયે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું સોમવારે રાત્રિના સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની રમેશભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઈ એ.જે. પોપાણીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.