જામનગર મહાપાલિકાની જૂદી-જૂદી શાખાઓમાં વહિવટી અને તાંત્રિક કામગીરી માટે આઉટસોર્સિંગ એજન્સી પાસે સેવાઓ લેવા માટેનું ટેન્ડરના મંજૂર કરી રિટેન્ડર કરવાં સ્થાયી સમિતિએ નિર્ણય કર્યો છે. જયારે શહેરમાંથી પકડવામાં આવેલાં રઝડતાં ઢોરને નરોડાની પાંજરાપોળમાં ટ્રાન્સપાર્ટ કરવાં રૂા.63 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં અનુદાનની રકમનો પણ સમાવેશ થાય છે.
ચેરમેન મનીષ કટારીયાના અધ્યક્ષ સ્થાને ગુરૂવારે યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમીતીની બેઠકમાં જામ્યુકોની સામાન્ય વહિવટ શાખા દ્વારા જુદા-જુદા વિભાગોમાં આઉટસોર્સિંગ એજન્સી મારફત કર્મચારીઓને રાખવા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ માટે સામાન્ય વહિવટ વિભાગે આઉટસોર્સિંગ એજન્સીઓ પાસેથી ટેન્ડર પણ મંગાવી લીધા હતાં. પરંતુ આ ટેન્ડર અને દરખાસ્તમાં કયાં વિભાગમાં કેટલાં કર્મચારીઓની જરૂર છે? તેમને કેટલો પગાર આપવામાં આવશે? આ માટે કુલ કેટલું ખર્ચ થશે? તે અંગેની કોઇ જ વિગતો ઉપલબ્ધ ન હોય આ ટેન્ડર કોરા ચેક જેવાં હોય સ્થાયી સમીતીએ આ દરખાસ્તને પેન્ડીંગ રાખી તમામ વિગતો સાથે રિટેન્ડર કરવા નિર્ણય કર્યો હતો. વિભાગ દ્વારા કરવામાં આવેલાં આ પ્રકારના અધુરા ટેન્ડરથી સમીતીના સભ્યોએ આશ્ર્ચર્ય વ્યકત કર્યું હતું.
આ ઉપરાંત સમીતીની બેઠકમાં શહેરમાંથી પકડવામાં આવતાં રઝડતાં ઢોરને નરોડા સ્થિત ગોપાલ કૃષ્ણ જનકલ્યાણ સેવા ટ્રસ્ટની પાંજરાપોળમાં ટ્રાન્સપોર્ટ કરવા માટે કુલ 1000 ઢોર માટે રૂા.63લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં ઢોરની નિભાવણી માટેના અનુદાનની રકમનો પણ સમાવેશ થાય છે. જે જેતે પાંજરાપોળ કે ટ્રસ્ટને આપવાની થાય છે. સ્થાયી સમીતીમાં કુલ 107 લાખના જુદા-જુદા કામોને બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, કમિશ્ર્નર સતિષ પટેલ, ડે.કમિશ્ર્નર વસ્તાણી સમીતીના સભ્યો તેમજ જુદા-જુદા વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જામ્યુકોના સામાન્ય વહિવટ વિભાગે રજૂ કર્યું કોરા ચેક જેવું ટેન્ડર!
સ્થાયી સમીતીનોે પૂરી વિગતો સાથે રિ-ટેન્ડર કરવાનો આદેશ