Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતજળ જીવન મિશન હેઠળ ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી મળતું ફંડ નાણાંકીય વર્ષ...

જળ જીવન મિશન હેઠળ ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી મળતું ફંડ નાણાંકીય વર્ષ 2020-21માં બમણું થયું

- Advertisement -

કેન્દ્ર સરકાર દ્વારા જળ જીવન મિશન હેઠળ ગુજરાતને આપવામાં આવેલું ફંડ અગાઉના વર્ષની સરખામણીએ નાણાંકીય વર્ષ 2020-21માં બમણું થયું છે. જળ જીવન મિશન હેઠળ, કેન્દ્ર સરકારે ગુજરાતને ના.વ.2019-20માં રૂ. 390.31 કરોડ ફાળવ્યા હતા, જેની સામે ના.વ.2020-21માં રૂ. 883.08 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આ માહિતી કેન્દ્રિય જળ શક્તિ રાજ્ય મંત્રી રતનલાલ કટારીયાએ રાજ્ય સભામાં ફેબ્રુઆરી 8, 2021ના રોજ સાંસદ પરિમલ નથવાણીએ પુછેલા પ્રશ્ર્નના ઉત્તરમાં ઉપલબ્ધ બનાવી હતી.

- Advertisement -

મંત્રીના નિવેદન અનુસાર, જળ જીવન મિશનની જાહેરાત ઓગષ્ટ 15, 2019ના રોજ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 3.36 કરોડ ગ્રામીણ ઘરોને નળ દ્વારા પાણીના જોડાણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન, ગુજરાતમાં 11.12 લાખ ઘરોને નળ દ્વારા પાણીના જોડાણ પૂરા પાડવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા ના.વ. 2019-20માં ફાળવવામાં આવેલા રૂ. 390.31 કરોડ રાજ્યને ચૂકવી દેવામાં આવ્યા હતા, જ્યારે ના.વ. 2020-21માં ફાળવવામાં આવેલા રૂ. 883.08 કરોડમાંથી રૂ. 662.76 કરોડની ચૂકવણી ફેબ્રુઆરી 4, 2021ની સ્થિતિએ કરવામાં આવી છે.

- Advertisement -

પરિમલ નથવાણી જળ જીવન મિશન અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં કેટલાં ઘરોને નળ દ્વારા પાણીનું જોડાણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં કેટલા ઘરોને પાણીનું જોડાણ આ યોજના અંતર્ગત આપવામાં આવ્યું છે તે અંગે જાણવા ઇચ્છતા હતા.

મંત્રીના નિવેદન અનુસાર, જળ જીવન મિશન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રકમમાંથી ગુજરાત દ્વારા ના.વ. 2019-20માં રૂ. 384.61 કરોડ અને ના.વ. 2020-21માં ફેબ્રુઆરી 4, 2021ની સ્થિતિએ રૂ. 387.66 કરોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular