Friday, January 2, 2026
Homeરાજ્યજામનગરકડકડતી ઠંડીમાં પણ ગરમ પાણીમાં સ્વીમીંગની મજા - VIDEO

કડકડતી ઠંડીમાં પણ ગરમ પાણીમાં સ્વીમીંગની મજા – VIDEO

સૌરાષ્ટ્રનો એકમાત્ર ઈન્ડોર ગરમ પાણીનો સ્વીમીંગ પુલ કાર્યરત

કડકડતી ઠંડીના દિવસોમાં સામાન્ય રીતે લોકો વહેલી સવારે પાણીથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે. પરંતુ જામનગરમાં ચિત્ર કંઈક જુદું જ જોવા મળે છે. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ જામનગરવાસીઓ ઉત્સાહપૂર્વક સ્વીમીંગની મજા માણી રહ્યા છે. તેનું મુખ્ય કારણ છે શહેરમાં ઉપલબ્ધ ઈન્ડોર ગરમ પાણીનો આધુનિક સ્વીમીંગ પુલ, જ્યાં ઠંડીની કોઈ ચિંતા વગર લોકો સ્વસ્થતા સાથે વ્યાયામ કરી શકે છે.

- Advertisement -

નવા વર્ષની શરૂઆત સાથે જ આ ગરમ પાણીનો સ્વીમીંગ પુલ ફરી કાર્યરત થતા દૈનિક 200થી વધુ લોકો સ્વીમીંગ શીખવા, તાલીમ લેવા તેમજ શિયાળાની ઋતુમાં ગરમ પાણીમાં ધુબાકા મારવાની મજા લેવા અહીં પહોંચે છે. ઠંડીની સિઝનમાં પણ સ્વીમીંગ દ્વારા ફિટનેસ જાળવવાની તક મળતાં લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

આ સ્વીમીંગ પુલમાં કુલ ત્રણ અલગ-અલગ કેટેગરીમાં બેચ કાર્યરત છે. જેમાં પુરુષો, મહિલાઓ અને બાળકો માટે અલગ-અલગ સમય અને વ્યવસ્થા રાખવામાં આવી છે. હાલ નિયમિત રીતે 160 પુરુષો, 60 મહિલાઓ અને 7થી 14 વર્ષના વયજૂથના 20 બાળકો સ્વીમીંગ માટે આવે છે. ઈન્ડોર સ્વીમીંગ પુલમાં સલામતી અને તાલીમ માટે બે અનુભવી કોચ તેમજ બે લાઇફગાર્ડ સતત ફરજ પર હાજર રહે છે.

જામનગરમાં આવેલો આ સ્વીમીંગ પુલ સૌરાષ્ટ્રનો એકમાત્ર ગરમ પાણીની સુવિધાવાળો સ્વીમીંગ પુલ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રૂ. 6 કરોડના ખર્ચે ક્રિકેટ બંગલા ખાતે આવેલા ગ્રાઉન્ડમાં આ આધુનિક સ્વીમીંગ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં અહીં મોટી સંખ્યામાં લોકો ગરમ પાણી સાથે સ્વીમીંગ અને નહાવાની મોજ માણતા જોવા મળે છે. હાલ શિયાળો હોવા છતાં પણ દરરોજ 200થી 300 લોકો અહીં સ્વીમીંગ માટે આવી રહ્યા છે.

- Advertisement -

શિયાળામાં શરદી, ઉધરસ અને અન્ય રોગોની ચિંતા વધતી હોય છે, તેથી લોકો સામાન્ય રીતે ઠંડા પાણીથી નાહવાનું ટાળે છે. આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી ગરમ પાણીની આ આધુનિક સુવિધા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. સ્વીમીંગ પુલમાં હીટર મશીનના માધ્યમથી પાણી ગરમ કરવામાં આવે છે. 42 એમ્પીયર ક્ષમતાવાળું હીટર મશીન 36થી 48 કલાક સતત ચાલુ રાખવામાં આવે છે, જેના કારણે પાણીનું તાપમાન 28થી 30 ડિગ્રી સેલ્સિયસ સુધી જાળવવામાં આવે છે.

ગરમ પાણીમાં સ્વીમીંગ કરવાથી લોકો નિર્ભયતાથી વ્યાયામ કરી શકે છે અને સ્વસ્થતા પણ જાળવી શકે છે. સ્વીમીંગને શ્રેષ્ઠ કસરત માનવામાં આવે છે અને તે શરીર તેમજ મન બંને માટે લાભદાયી છે. આ કારણે જામનગરનો આ ગરમ પાણીનો સ્વીમીંગ પુલ શિયાળાની ઋતુમાં પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે અને શહેરના રમતગમત ક્ષેત્રે એક નવી ઓળખ ઉભી કરી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular