પશ્ર્ચિમ બંગાળમાં 10 એપ્રિલે યોજાનાર ચોથા તબક્કાના મતદાન માટેના પ્રચારનો ગઇકાલે સાંજે પાંચ વાગ્યે અંત આવી ગયો હતો. આવતીકાલે રાજ્યના પાંચ જિલ્લાઓની 44 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.
10 એપ્રિલે યોજાનાર ચૂંટણીમાં 58,82,514 પુરુષો અને 56,98,218 મહિલાઓ મતદાન કરશે. શનિવારે થનારી ચૂંટણીમાં કુલ 373 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ જશે. જે પાંચ જિલ્લાઓમાં મતદાન થવાનું છે તેમાં હાવડા(ભાગ-2), સાઉથ 24 પરગણા(ભાગ-3), હુગલી(ભાગ-2), અલીપુરદાર અને કોચબેહરનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 10 એપ્રિલે સવારે સાત વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધી 15,940 મતદાન મથકો પર મતદાન થશે. હાવડાની 9, દક્ષિણ 24 પરગણાની 11, અલિપુરદારની પાંચ, કોચબેહરની 9 અને હૂગલીની 10 બેઠકોનો સમાવેશ થાય છે.
10 એપ્રિલના રોજ જે મહાનુભાવોનું ભાવિ ઇવીએમમાં સીલ થવાનું છે તેમાં બંગાળના પૂર્વ રણજી કેપ્ટન અને તૃણમુલના શિબપુરના ઉમેદવાર મનોજ તિવારી, રાજ્ય શિક્ષણ પ્રધાન અને બેહાલા પશ્ચિમ બેઠકના વર્તમાન ધારાસભ્ય પાર્થ ચેટર્જી તથા ભાજપના કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોનું ભાવિ ઇવીએમમાં સીલ થશે. તેઓ રાજ્યના સ્પોર્ટ્સ પ્રધાન અનુપ બિસ્વાસ સામે ચૂંટણી લડી રહ્યાં છે.