દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વન મહોત્સવ અંતર્ગત ખંભાળિયા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અહીંના ડીવાયએસપી નીલમબેન ગોસ્વામીના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો વન મહોત્સવ યોજવામાં આવ્યો હતો.
આ વન મહોત્સવમાં નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ રીઝર્વ પોલીસ સબ ઈન્સપેક્ટર આશાબેન વદર અને શીતલબા પરમાર સહિત પોલીસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તુલસી, પીપળો અને વડ સહિતના વિવિધ છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વૃક્ષ ઝડપથી મોટું થાય તે માટે અંદાજીત 40 જેટલા વડની તાજી પાંગરેલી ડાળીઓ પણ વાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડીવાયએસપી ગોસ્વામીએ સિંગલ યુઝ પ્લાસ્ટીક પર્યાવરણને નુકસાનકર્તા છે તે અંગે સમજણ આપી ઉપસ્થિતોને સિંગલ યુઝ પ્લાસ્ટીકની પર્યાવરણ પર હાનિકારક અસર વિશે માહિતગાર કર્યા હતા. વધુમાં તેમણે વૃક્ષોએ આવનાર પેઢીના તંદુરસ્ત જીવન માટે આશીર્વાદરૂપ છે, તેમ પણ જણાવ્યું હતું.
અહીંના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અત્યાર સુધીમાં વડ, પીપડો, તુલસી, રાયણ, જાબુંડા સહિતના વિવિધ વૃક્ષો સહીત આશરે 1,100 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. તેમ રીઝર્વ પોલીસ સબ ઈન્સપેક્ટર આશાબેને જણાવ્યું હતું.