માર્ચના બીજા સપ્તાહમાં જામનગર મહાનગરપાલિકાની નવી બોડીની પ્રથમ સામાન્ય સભા યોજાઈ શકે છે. પ્રથમ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના 12 સભ્યોની ચૂંટણી કરવામાં આવશે. ત્યારબાદ સત્તાવાર રીતે જામ્યુકોની નવી બોડીનું માળખુ અસ્તિત્વમાં આવી જશે.
જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠક માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ચૂકયું છે. નવા 64 કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા છે. કેટલીક વહીવટી પ્રક્રિયાઓ બાદ જામ્યુકોની નવી બોડી અસ્તિત્વમાં આવી જશે. પ્રથમ ચૂંટણી પંચ દ્વારા વિજેતા જાહેર થયેલા તમામ ઉમેદવારોનું સર્ટીફિકેશન કરવામાં આવશે. ત્યારબાદ આ પ્રમાણપત્ર રાજ્ય સરકારના ગેઝેટસમાં પ્રસિદ્ધી અર્થે મોકલવામાં આવશે. ગેઝેટમાં વિજેતા ઉમેદવારોના નામ પ્રસિદ્ધ થયા બાદ તેઓ સત્તાવાર રીતે કોર્પોરેટર ગણાશે. આ તમામ પ્રક્રિયામાં 12 થી 14 દિવસનો સમય લાગી શકે છે. તે જોતા જામનગર મહાનગરપાલિકાની નવી બોડીની પ્રથમ બેઠક માર્ચના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. નિયમ મુજબ, મ્યુનિસીપલ કમિશનર જામ્યુકોની સામાન્ય સભા યોજશે. નવી બોડીની પ્રથમ સામાન્ય સભામાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીની ચૂંટણી યોજવામાં આવશે. સાથે સાથે પ્રથમ બેઠકમાં જ સ્ટેન્ડીંગ કમિટીના 12 સભ્યોની ચૂંટણી પણ કરવામાં આવશે. સ્ટેન્ડીંગના 12 સભ્યો ચૂંટાતા જ જામ્યુકોની બંધારણીય કમિટી અસ્તિત્વમાં આવી જશે.
સ્થાયી સમિતિ અસ્તિત્વમાં આવ્યા બાદ હાલ વહીવટદારની ભૂમિકા નિભાવી રહેલા મ્યુ.કમિશનરે ટાળેલી બજેટ મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સંભવત: સ્થાયી સમિતિની પ્રથમ બેઠકમાં જ બજેટ રજૂ કરવામાં આવશે. અલબત રાજ્ય સરકાર દ્વારા બજેટ મંજૂરી માટે બે મહિનાની મુદ્ત વધારી આપવામાં આવી છે.
લ્યો બોલો.. નવા કોર્પોરેટરોના બીજા દિવસે જ જામ્યુકોમાં આંટાફેરા
દરમિયાન હજુ ગઈકાલે જ ચૂંટાયેલા કેટલાંક નવા ઉત્સાહી કોર્પોરેટરો બીજા દિવસથી જ કોર્પોરેશનમાં આંટાફેરા ચાલુ કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે. નવા ચૂંટાયેલા કેટલાંક કોર્પોરેટરો હવે શું કરવાનું છે ? અને કઈ રીતે કામ કરવાનું છે ? તે જાણવાનો પ્રયાસ કરતા નજરે ચડયા હતાં. આ કોર્પોરેટરોની આવો ઉત્સાહ આગામી પાંચ વર્ષ સુધી જળવાઈ રહે અને લોકોની અપેક્ષાઓમાં ખરા ઉતરે તે જરૂરી છે.