ખંભાળિયાના પોલીસ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા અને અત્રે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મીએ પોતાના પતિ સાથેના આ બનાવથી રવિવારે રાત્રે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ મૂળ ખેડા જિલ્લાના રહીશ એવા મીરાબેન દશરથભાઈ ચાવડા નામના 29 વર્ષના મહિલા ખંભાળિયાના પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવી રહ્યા હતા. તેમના પ્રેમ લગ્ન આજથી આશરે પાંચ વર્ષ પૂર્વે મીઠાપુરની મહાવીર સોસાયટીમાં રહેતા મિતેશભાઈ જીતેન્દ્રભાઈ ભાયાણી નામના એક યુવક સાથે થયા હતા અને તેમના લગ્ન જીવન દરમિયાન હાલ આશરે ત્રણેક વર્ષનો એક પુત્ર પણ છે. જે છેલ્લા કેટલાક દિવસોથી મીરાબેનના પિતાના ઘરે હોવાનું જાણવા મળ્યું છે.
ખંભાળિયાના મહિલા હેડ કોન્સ્ટેબલ મીરાબેન ચાવડાને તેણીના પતિ મિતેશભાઈ સાથે છેલ્લા છએક માસથી અવારનવાર કોઈ બાબતે બોલાચાલી થતી હતી. દાંપત્યજીવનમાં ચાલતા ઝગડા વચ્ચે ચારેક દિવસ પહેલા કોઈ બાબતે કારણોસર પતિ-પત્ની વચ્ચે ફોન ઉપર ઉગ્ર ઝઘડો થયો હતો. આ બાબત મીરાબેનને મનમાં લાગી આવતા રવિવારે રાત્રીના સમયે તેણીએ ખંભાળિયા રામનગર વિસ્તારમાં આવેલા પોલીસ ક્વાર્ટરના બ્લોક નંબર બી/3 ખાતે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો.
આ બનાવ બનતા અહીંના જિલ્લા પોલીસ વડા તથા પી.આઈ. પોલીસ ક્વાર્ટર કોટર ખાતે મીરાબેનના રહેણાક ખાતે પહોંચી ગયા હતા અને જરૂરી તપાસ તેમજ પૂછપરછ કરી હતી. મીરાબેનના મૃતદેહનો કબ્જો મેળવી પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. આ બનાવ અંગે મૃતકના પતિ મિતેશભાઈ જીતેન્દ્રભાઈ ભાયાણીએ ખંભાળિયા પોલીસમાં ઉપરોકત બનાવ અંગે જરૂરી નોંધ કરાવી છે. જે સંદર્ભે પોલીસે હાલ એ.ડી. અંગેની નોંધ કરી, આગળની તપાસ પ્રોબ્શનલ એ.એસ.પી. નિધિ ઠાકુર દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ બનાવે પોલીસ બેડામાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.