- Advertisement -
દ્વારકામાં આવેલા પ્રસિદ્ધ જગત મંદિરના કારણે અહીં દરરોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દ્વારકાધીશના દર્શન કરવા આવે છે. અહીં આવતા ભાવિકોમાં મોટી સંખ્યા વૃધ્ધોની હોય છે.
દ્વારકામાં વર્ષોથી આખલાઓના આંતકની ફરિયાદો ઉઠતી આવી છે. જેમાં દ્વારકાના સ્થાનિકો સાથે બહારગામથી આવતા યાત્રિકો પણ આખલાના આંતકના ભોગ બન્યાના બનાવો બન્યા છે. જેમાં અનેક વખત લોકોએ જીવ પણ ગુમાવવા પડવાનો વારો આવ્યો છે.
આવો જ એક કીસ્સો આજરોજ દ્વારકાના મુખ્ય એવા મંદિર ચોક ખાતે બનાવ બનવા પામ્યો હતો. જેમાં એક ગૌવંશ (આખલો) તોફાને ચડતા ધમાચકડી મચાવી હતી. સાથેની તસવીરમાં જોઈ શકાય છે તેવી રીતે એક આખલો તોફાને ચડીને લોકોથી ભરચક્ક એવા મંદિર ચોકમાં ઘસી આવ્યો હતો, અને ત્યાં ઉભેલા એક વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જેના કારણે આખલાની ઢિંકનો ભોગ બનેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
એટલાથી આખલાને જાણે સંતોષ ન થતા, મંદિર ચોકમાં રહેલી એક દુકાનને પણ નિશાને લીધી હતી. આ દુકાનમાં રહેલો સામાન વેર-વિખેર કરી, આખલો આગળ વધી ગયો હતો. આવા બનાવના કારણે ત્યાં ઉભેલા લોકોમાં તંત્ર વિરૂદ્ધ નારાજગી વ્યાપી હતી. પાલિકા તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે આવા નધણીયાત ગૌવંશ તથા આખલાઓને ડબ્બે પૂરી, શહેરથી દુર જગ્યાએ લઈ જઈ તેમની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી વ્યાપક લોકમાંગ ઊઠવા પામી છે.
- Advertisement -