કાલાવડ તાલુકાના સરવાણિયા ગામની સીમમાં રહેતાં અને ખેતી કરતા ખેડૂત યુવાન સહિતનાઓને પોલીસની ઓળખ આપી લાકડી અને ઢીકાપાટુનો મારી ગાળો કાઢી બળજબરીપૂર્વક રૂપિયા દોઢ લાખ પડાવી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી બોગસ પોલીસની શોધખોળ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના સરવાણિયા ગામમાં રહેતા અને ખેતી કરતા હસમુખભાઈ બાબુભાઈ પાનસુરીયા નામના પટેલ યુવાનને પૂર્વ આયોજિત કાવતરુ રચી અજાણ્યા શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી એક સપ્તાહ પૂર્વે રાત્રિના સમયે ગામની સીમમાં આંતરીને લાકડી વડે લમધાર્યા હતાં. તેમજ ઢીકાપાટુનો માર મારી ગાળો આપી બળજબરી પૂર્વક દોઢ લાખની રકમ પડાવી લીધી હતી. યુવાન ખેડૂત સહિત અન્ય વ્યક્તિઓને પણ પોલીસની ઓળખ આપી ધાક ધમકીથી પૈસા પડાવી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવ બાદ ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં બનાવની જાણ થતા પીઆઈ વી એસ પટેલ તથા સ્ટાફે ભોગ બનનાર ખેડૂત યુવાનના નિવેદનના આધારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પૂર્વ આયોજિત કાવતર રચી પોલીસની ખોટી ઓળખ આપી માર મારી બળજબરીપૂર્વક પૈસા પડાવતા અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.